ઉત્તરપ્રદેશમાં લોકસભા ચૂંટણીમાં ભાજપના ખરાબ દેખાવ પછી એકબાજુ પક્ષની અંદર યોગી આદિત્યનાથને હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે તેવા સમયે મુખ્યમંત્રી યોગી રાજ્યમાં મહિલાઓ પરના ગુનાઓને રોકવામાં સતત સક્રિયતા દર્શાવી રહ્યા છે. લખનઉમાં ગોમતીનગરમાં મહિલા સાથે છેડતીની ઘટનામાં આખી પોલીસ ચોકીના કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા બાદ હવે યોગી આદિત્યનાથે અયોધ્યામાં એક સગીરા પર બળાત્કારના મુખ્ય આરોપી સમાજવાદી પક્ષના નેતા મોઈદ ખાનના ઘર પર બુલડોઝર ચલાવી દીધું છે. અયોધ્યામાં ૧૨ વર્ષીય સગીરા પર કથિતરૂપે બળાત્કારની એક ઘટના સામે આવી હતી. આ કેસમાં સમાજવાદી પક્ષના નેતા મોઈદ ખાન પણ સંડોવાયેલા હોવાનું કહેવાય છે.
તેની ધરપકડ પણ કરી લેવાઈ છે. મોઈદ ખાન પર આરોપ છે કે તેણે સગીરા પર બળાત્કાર કર્યા પછી આ ઘટના રેકોર્ડ કરી લીધી. એટલું જ નહીં મોઈદ ખાનના સાથી રાજુ ખાને પણ સગીરા પર બળાત્કાર કર્યો હતો. આરોપ મુજબ બંને લગભગ અઢી મહિના સુધી સગીરા પર બળાત્કાર કરતા રહ્યા. સગીરા ગર્ભવતી થતા આ ઘટના સામે આવી હતી. પોલીસે પોક્સો હેઠળ કેસ નોંધ્યો છે. હવે ઉત્તર પ્રદેશની યોગી સરકારે મુખ્ય આરોપી મોઈદ ખાની બેકરી પર બુલડોઝર ફેરવી દીધું છે. રાજ્ય સરકારે શુક્રવારે મોઈદ ખાનની બેકરીની તપાસ કરી સીલ કરી કરી દીધી હતી અને તેનું લાઈસન્સ પણ રદ કરી દીધું હતું.
મોઈદ ખાન પર તળાવ અને કબ્રસ્તાન સાથે અનેક સરકારી જમીનો પર ગેરકાયદે કબજો કરવાનો પણ આરોપ છે. બીજીબાજુ પીડિત પરિવારજનોએ આરોપ મૂક્યો છે કે સપા નેતા મોઈદ ખાને સગીરાના પરિવારને સમાધાન નહીં કરવા બદલ ધમકી આપી હતી. મોઈદ ખાન તથા સપા નેતા અને નગર પંચાયત ભદરસાના ચેરમેન મોહમ્મદ રાશિદ, સપા નેતા જયસિંહ રાણા અન્ય એક વિરુદ્ધ સગીરાના પરિવારને અડધી રાતે હોસ્પિટલમાં જઈ ધમકાવવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. દરમિયાન ફૈઝાબાદથી સાંસદ અવધેશ પ્રસાદે આ કેસમાં ડીએનએ ટેસ્ટની માગણી કરી છે.
તેમણે કહ્યું કે કોઈ નિર્દોષ ફસાવો જોઈએ નહીં. મોઈદ ખાનની તેમની સાથે તસવીર હોવાની બાબતને મુદ્દો બનાવીને ભાજપ ઊછાળી રહ્યો છે ત્યારે અવધેશ પ્રસાદે કહ્યું કે તસવીરને કોઈ નકારી શકે તેમ નથી. પરંતુ મારી પાસે રોજ ૫૦૦ લોકો આવીને તસવીર પડાવે છે. જ્યાં સુધી બળાત્કારની આ ઘટનાને સવાલ ચે ત્યાં સુધી તે ખૂબ જ શરમજનક છે. જે પણ દોષિત હોય તેને આકરી સજા થવી જોઈએ. પોલીસે પણ કોઈપણ દબાણમાં આવ્યા વિના કામ કરવું જોઈએ. આ પહેલા સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ પ્રસાદે પણ ડીએનએ ટેસ્ટની માગ કરી હતી.
