આગામી તારીખ ૫ મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં પ્લાસ્ટિક પ્રદૂષણને અટકાવવા અને પર્યાવરણ સુરક્ષા માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તાપી વહીવટી તંત્ર દ્વારા વ્યારામાં “સેય નો ટુ પ્લાસ્ટિક”ની થીમ સાથે સાયક્લોથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યારાના સયાજી ગ્રાઉન્ડથી આરંભ થયેલી આ રેલીનો પ્રારંભ જિલ્લા કલેક્ટર ડો. વિપિન ગર્ગ, અધિક નિવાસી કલેક્ટર આર.આર. બોરડ, વ્યારા પ્રાંત અધિકારી સંદિપ ગાયકવાડ તથા નગરપાલિકા પ્રમુખ રીતેશ ઉપાધ્યાયે લીલી ઝંડી આપી કર્યો હતો. સાયક્લોથોન રેલી વ્યારા નગરના માર્ગથી પસાર થઈ જનક સ્મારક હોસ્પિટલ ખાતે પહોંચી હતી. જ્યાં તમામ સાઇક્લીસ્ટોએ પ્લાસ્ટિક કચરાને નાબુદ કરવાના ધ્યેય સાથે વિશિષ્ટ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. જેમાં કલેકટરશ્રી સહિત અન્ય અધિકારીઓ પણ જોડાયા હતા.
સાથે રેલી ના આરંભ પહેલા ઉપસ્થિત નાગરિકોએ “સેય નો ટુ પ્લાસ્ટિક” અંગે સંકલ્પ ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડો.વિપિન ગર્ગે તાપી જિલ્લાના તમામ નાગરિકોને સંદેશ આપતાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ મિશન લાઇફ (લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ) અંતર્ગત સૌને પોતાના જીવનમાં નાના મોટા પરિવર્તનો કરી પર્યાવરણ બચાવાનું અહવાન કર્યું છે. તેમણે જણાવ્યું કે પ્લાસ્ટિક મુક્ત તાપી જિલ્લો બનાવવા માટે દરેક નાગરિકે પોતપોતાના જીવનશૈલીમાં ફેરફાર કરી પ્લાસ્ટિક પ્રોડક્ટનો ઉપયોગ ટાળવો જોઈએ.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ મેદસ્વિતા મુક્ત ગુજરાત માટેની ઝુંબેશ શરૂ કરી છે, ત્યારે તંદુરસ્ત જીવનશૈલી અપનાવી યોગ અને કસરત કરવી અનિવાર્ય છે. આ સાયક્લોથોન રેલીના માધ્યમથી નાગરિકોને ફીટ રહેવા અને પર્યાવરણને સાચવવા માટે ઉત્તમ સંદેશ આપવામાં આવ્યો છે. વિશેષ નોંધનીય છે કે, ભારત સરકારના પર્યાવરણ વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ની થીમ ‘વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત’ રાખવામાં આવી છે. જેને અનુરૂપ તાપી જિલ્લામાં પણ ગ્રામ્ય તથા શહેરી કક્ષાએ વિવિધ જાગૃતિમુલક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં તાપી જિલ્લાના વહીવટી તંત્ર, નગરપાલિકા, વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ, સાઇક્લીંગના રસિકો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
