પશ્ચિમ બંગાળના દક્ષિણ કોલકાતાના કસબા વિસ્તારમાં સ્થિત સાઉથ કોલકાતા લો કોલેજમાં એક વિદ્યાર્થિની સાથે સામૂહિક દુષ્કર્મની દર્દનાક ઘટના બની છે. આ ઘટના 25 જૂન, 2025ની સાંજે 7.30થી 10.50ની વચ્ચે કોલેજના પરિસરમાં જ બની હતી. કસબા પોલીસ સ્ટેશનમાં પીડિતાની ફરિયાદ નોંધી ત્રણ આરોપીની ધરપકડ પણ થઈ છે. જેમાં એક ભૂતપૂર્વ વિદ્યાર્થી સામેલ છે. પોલીસે જણાવ્યા પ્રમાણે, ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાં કોલેજનો પૂર્વ યુનિટ પ્રેસિડન્ટ મોનોજિત મિશ્રા (ઉ.વ.31), જૈબ એહમદ (ઉ.વ.19) અને પ્રમિત મુખરજી ઉર્ફ પ્રમિત મુખોપાધ્યાય (ઉ.વ.20) સામેલ છે.
જ્યારે પ્રમિતની ધરપકડ 27 જૂનના રોજ બપોરે 12.30 વાગ્યે તેના ઘરેથી જ થઈ હતી. ત્રણેયના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. કોર્ટે ત્રણેય આરોપીને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. આરોપી મનોજિત મિશ્રા કોલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાની સાતે સાથે સાઉથ કોલકાતા ટીએમસીપી (તૃણમુલ સ્ટુડન્ટ કાઉન્સિલ)નો જિલ્લા મહાસચિવ પણ છે. પોલીસ સૂત્રો અનુસાર, આ કથિત ગેંગરેપની ઘટના કોલેજની બિલ્ડિંગની અંદર બની હતી. પીડિતાનું પ્રારંભિક ધોરણે મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. ઘટના સ્થળે વધુ તપાસ હાથ ધરી છે. ફોરેન્સિક તપાસ પણ હાથ ધરાઈ છે. ત્રણેય આરોપીને આજે અલીપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. પોલીસે 14 દિવસની કસ્ટડીની માગ કરી હતી. પરંતુ કોર્ટે તેમને આગામી મંગળવાર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે.
