રાજધાનીના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનની હદમાં રક્ષાશક્તિ સર્કલ પાસે ગત મંગળવારે રાત્રે એક બેદરકાર ડમ્પર ચાલકે કિંમતી બેન્ટલી કારને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, ગિફ્ટ સિટી ખાતેની જેપી કેપિટલ કંપનીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા વિપુલભાઈ જોઇતાજી ઠાકોર રાત્રિના આશરે 8:15 વાગ્યે પોતાના સાહેબ નિતેશ જયસ્વાલને લઈને બેન્ટલી મોટર્સ ફ્લાઈંગ સ્પર V8 નંબર MH-01-DB-4788 ગાડીમાં કુડાસણ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન રક્ષાશક્તિ સર્કલ પાસે એક આઈવા ડમ્પર નંબર GJ-18-BW-9789 ના ચાલકે પોતાના કબજાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બેન્ટલી કારના ડ્રાઈવર સાઈડના ભાગે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં લકઝરી કારના ડ્રાઈવર સાઈડના દરવાજાનું હેન્ડલ તૂટી ગયું હતું અને બારીનો કાચ પણ ફૂટી ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. ડમ્પર ચાલકે પોતાનું નામ અબ્દુલ મન્નાન હોવાનું જણાવ્યું હતું. ઇન્ફોસિટી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



