ધરમપુરનાં ધામણી ગામની નાર નદીમાં તણાઇ ગયેલ રહીશનો મૃતદેહ મળ્યો આવ્યો હતો. સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર ધરમપુરના ધામણી ગામનાં બાફળી ફળિયામાં રહેતા જાનુભાઇ શ્રાવણભાઈ નાયક (ઉ.વ.૫૦)ની તબિયત સારી નહીં હોવાથી ગત ગુરૂવારે ગામમાં આવેલ દવાખાનામાં ગયાં હતાં. ત્યાંથી ઘરે પરત આવતી વેળા ગામમાંથી પસાર થતી નાર નદી પરના ચેકડેમ ઉપરથી પસાર થતા હતાં. ત્યારે ચેકડેમ પર ફરી વળેલા પાણીના ધસમસતા પ્રવાહમાં તેઓ તણાઇ ગયાં હતાં. ભારે શોધખોળ બાદ તેમનો મૃતદેહ ધામણી ગામના કોઝવે નીચે, નાર નદીના પાણીમાં ઘાસમાંથી મળી આવ્યો હતો. જે અંગેની જાહેરાત મૃતકના પુત્ર કલ્પેશ નાયકે ધરમપુર પોલીસ મથકમાં આપતા પોલીસે અકસ્માત મોત મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.




