સુરતમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત. સુરત શહેરના ભટાર વિસ્તારમાં ગાંજાની બાતમી આપ્યાની શંકા રાખીને અજાણ્યા શખ્સ દ્વારા એક યુવક પર બ્લેડથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગાંજાનો ધંધો કરનાર શખ્સે શંકાના આધારે આ યુવક પર હુમલો કર્યો હતો. મળતી માહિતી અનુસાર સુરતના ભટાર વિસ્તારમાં રહેતા એક યુવક પર ગત રાત્રે અચાનક જીવલેણ હુમલો થયો હેવાની ઘટના સામે આવી હતી. જેમાં હુમલાખોરે યુવક પર બ્લેડ વડે હુમલો કર્યો હતો.
આ હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલા બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં હુમલાનું કારણ જાણવા મળ્યું હતું કે યુવકે ગાંજાના વેચાણ અંગે પોલીસને બાતમી આપી હોવાની શંકા રાખી તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બનતા જ આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને હુમલાખોરને ત્યાંજ ઝડપી પાડ્યો હતો.રોષે ભરાયેલા સ્થાનિકોએ હુમલાખોરને મેથીપાક ચખાડ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. જ્યારે ઘટનાની જાણ થતા જ ખટોદરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે ભટાર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. સ્થાનિકો દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની અને આવા બનાવોને અટકાવવાની માંગ કરવામાં આવી હતી.
