ભરૂચમાં દહેજનાં ઔદ્યોગિક વસાહતમાં આવેલ શ્વેતાયન કેમ.ટેક ફાર્મા કંપનીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગનો કોલ મળતાની સાથે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મળતી વિગતો અત્યારે 8 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોતી અને આગને મહામહેનતે કાબૂમાં લીધી હતી. આગના કારણે કંપનીના કેટલાક ભાગોમાં ભારે નુકસાન થયું છે. 
આગ એટલી વિકરાળ હતી કે, આગના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા હતા. આગ વિકારાળ હોવાથી આસપાસનાં વિસ્તારોમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો હતો. જોકે ફાયર વિભાગ દ્વારા આગ કાબૂમાં લેવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. આગની ઘટનાને ગંભીરતાથી લેતા પોલીસ અને અન્ય સંબંધિત અધિકારીઓએ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. આગના કારણે કોઈ જાનહનિના સમાચાર મળ્યા નથી.
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતાં. આખરે શા કારણે આગ લાગી? તેના વિશે કોઈ ખાસ જાણકારી મળી નથી. આગનું કારણ હજી પણ અકબંધ રહ્યું છે. જોકે પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, કેમિકલ રિએકશન અથવા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે છે. આગનાં કારણે કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.(file photo)




