Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અમેરિકામાં ડર્ટી હેરી તરીકે જાણીતા ગુજરાતી એજન્ટને દસ વર્ષની સજા ફટકારાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમેરિકામાં ત્રણ વર્ષ પહેલાં ગેરકાયદે ઘૂસવાના પ્રયાસમાં ગુજરાતના ડિંગુચાના એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા. આ ઘટનામાં અમેરિકામાં મૂળ ગુજરાતી એવા હર્ષ રમણલાલ પટેલની ભૂમિકા સામે આવી હતી, જે લોકોને અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ અપવાતો હતો. આ કેસમાં અમેરિકાના મિનેસોટાના ફેડરલ જજ જોન ટુનહેમે હર્ષ પટેલને 10 વર્ષ અને એક મહિનાની સજા ફટકારી છે. આ કેસમાં હર્ષ પટેલના સાથીદાર અને કેનેડા સરહદેથી કામાં ગેરકાયદે ઘૂસણખોરી કરાવનારા સ્ટીવ એન્થની શેન્ડને છ વર્ષ અને છ મહિનાની સજા ફટકારી છે. આ કેસની વિગત એવી છે કે, ગુજરાતના ડિંગુચાનો પટેલ પરિવાર કેનેડાની સરહદેથી ગેરકાયદે રીતે સરહદ પાર કરવા જતા ઠંડીમાં ઠુઠવાઈને મૃત્યુ પામ્યો હતો.

આ અંગે અમેરિકન પ્રોસિક્યુટરે કોર્ટને જણાવ્યું હતું કે, ગુજરાતી મૂળનો અમેરિકન અને ડર્ટી હેરીના નામથી જાણીતો હર્ષકુમાર રમણલાલ પટેલ ભારતથી લોકોને સ્ટુડન્ટ સહિતના વિઝા પર કેનેડા લાવતો હતો. ભારતીયોને કેનેડા લાવે ત્યાં સુધીની બધી જ પ્રક્રિયા કાયદેસરની રહેતી હતી, પરંતુ કેનેડાથી અમેરિકા ગેરકાયદે ઘૂસણખોરીનું નેટવર્ક ચલાવતો હતો. હર્ષ પટેલના માનવ તસ્કરીના નેટવર્કના કારણે ગુજરાતના ડિંગુચાના 39 વર્ષીય જગદીશ પટેલ, તેમની 35 વર્ષીય પત્ની વૈશાલી પટેલ, 11 વર્ષની પુત્રી વિહંગી અને ત્રણ વર્ષના પુત્ર ધાર્મિકના મોત થયા હતા. આ ચારેય લોકો ઠંડીથી ઠુઠવાઈને મૃત્યુ પામ્યા હતા.

રોયલ કેનેડિયન પોલીસને 19 જાન્યુઆરી 2022ના રોજ મેનિટોબા અને મિનેસોટા વચ્ચે તેમના થીજી ગયેલા મૃતદેહ મળ્યા હતા. આ દંપતિ શિક્ષક તરીકે કામ કરતું હતું. બીજા ગામવાસીઓની જેમ તે પણ સારું જીવન જીવવા વિદેશ જવા નીકળ્યા હતા, પરંતુ તેમને અધવચ્ચે જ મૃત્યુ મળ્યું. આ અંગે અમેરિકન વકીલ માઇકલ મેકબ્રાઈટે નોંધ્યું હતું કે, ધાર્મિકના ચહેરાને કાતિલ બરફીલા પવનથી બચાવવામાં જગદીશ પટેલનું મોત થયું હતું. વિહંગીએ પણ કાતિલ ઠંડીનો સામનો કરવા માટે અપૂરતા કહી શકાય તેવા બૂટ અને ગ્લોવ્સ પહેર્યા હતા. જ્યારે માતા વૈશાલી વાડ પર મૃત્યુ પામેલી સ્થિતિમાં મળી આવી હતી.

તે ચોક્કસપણે ઠંડીથી બચવા જ ત્યાં ગઈ હશે. આ સમયે નજીકનું વેધર સ્ટેશન -38 ડિગ્રી તાપમાન બતાવતું હતું. આ દરમિયાન કાતિલ ઠંડી વચ્ચે ચાલીને સરહદ વટાવવાના પ્રયાસમાં સાતને જ સફળતા મળી હતી, પરંતુ ડ્રાઈવર એન્થની શેન્ડની વાન સુધી માંડ બે લોકો જ પહોંચી શક્યા હતા. સરહદ પાર કરતી વખતે બચી ગયેલી એક મહિલાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવી પડી હતી કારણ કે તે હાઈપોથર્મિયાનો ભોગ બની હતી. આ સિવાય બચી ગયેલી અન્ય એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, અમે જીવનમાં ક્યારેય આટલો બરફ જોયો ન હતો. અહીં અમારા એજન્ટે અમને ઠંડીથી બચવા પૂરતા વસ્ત્રો આપ્યા ન હતા, તેથી અન્ય લોકોના મોત થયા હતા. નોંધનીય છે કે, આ કેસની સુનાવણી શરૂ થઈ ત્યારે અમેરિકન ફેડરલ પ્રોસિક્યુટરે હર્ષ પટેલને 20 વર્ષ અને ડ્રાઈવર સ્ટીવ એન્થની શેન્ડને 11 વર્ષની સજાની ભલામણ કરાઈ હતી.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!