નિઝર ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં વર્ષોથી મજૂરી કામ કરતા એક શખ્સે સામાન્ય વાતમાં ઉશ્કેરાઈ જઈને તેના માલિકના ભાઈની ઘાતકી હત્યા કરી નાખી છે. ચા પીવા જેવી નજીવી બાબતે શરૂ થયેલો વિવાદ અંતે લોહિયાળ ખેલમાં પરિણમ્યો હતો.મળતી માહિતી મુજબ, નિઝર ગામમાં રહેતા ખેડૂત પંકજભાઈ મગનભાઈ પટેલના ઘરે અશોક તાનાજી નાઈક નામનો શખ્સ છેલ્લા ઘણા વર્ષોથી મજૂર તરીકે કામ કરતો હતો. ગત રવિવારે સાંજે આશરે સાડા પાંચ વાગ્યાના સુમારે અશોક ઘરે આવ્યો હતો અને પંકજભાઈની માતા પાસે ચાની માંગણી કરી હતી.
માતાએ ઇલેક્ટ્રિક સગડી પર ચા બનાવવાની તૈયારી કરી, પરંતુ ઉતાવળમાં અશોકે જાતે જ ગેસના ત્રણેય બટન ચાલુ કરી દીધા હતા. માતાએ તેને ટોકતા અશોક એકદમ ગુસ્સે ભરાયો હતો અને વાસણો પછાડી ઘરના ટેરેસ પર જતો રહ્યો હતો. જ્યારે પંકજભાઈની પત્ની મનિષાબેન તેને સમજાવવા ઉપર ગયા, ત્યારે અશોકે તેમને લાકડાના પાટિયાથી માર માર્યો હતો. આ દરમિયાન પંકજભાઈના નાના ભાઈ સંજયભાઈ (ઉં.વ.55) ત્યાં આવી પહોંચ્યા હતા અને અશોકને શાંત પાડવા ટેરેસ પર ગયા હતા. જોકે, ઉશ્કેરાયેલા અશોકે સંજયભાઈના માથાના ભાગે લાકડાના પાટિયાથી ઉપરા-છાપરી ઘા ઝીંકી દીધા હતા.
હુમલાને કારણે સંજયભાઈ લોહીલુહાણ હાલતમાં ટેરેસ પર જ બેભાન થઈ ગયા હતા. ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક નિઝરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે પંકજભાઈ પટેલે નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી અશોક તાનાજી નાઈક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર નિઝર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.




