નવસારીનાં જલાલપોર તાલુકાનાં મરોલી ગામમાં દવાખાનું ચલાવતા વૃધ્ધ તબીબને સાયબર ફ્રોડના નામે ડિજિટલ એરેસ્ટ કરી રૂ.૬ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરનાર આરોપીને નવસારી એલ.સી.બી. પોલીસે રાજકોટથી ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ, ડો.ચેતનકુમાર મોંઘાભાઈ મહેતા (ઉ.વ.૬૭, રહે.મરોલી બજાર,છીણમ રોડ,જલાલપોર) મરોલી ખાતે દવાખાનું ચલાવે છે. બે મહિના પહેલા તારીખ ૨૩મી જાન્યુઆરીના રોજ તેમના પત્નીના મોબાઈલ ફોન ઉપર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. 
એ ફોન રીસીવ કરતા સામેવાળી વ્યક્તિએ તમારા મોબાઈલ નંબર પરથી ડીજીટલ ક્રાઈમ થયેલો છે. તેમ જણાવી ઠગબાજોએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને સી.આઈ.ડી. ક્રાઈમ બ્રાન્ચના નામે ડિજિટલ એરેસ્ટ કરી રૂ.૬ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી. જેની ફરિયાદ મરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ ગુનામાં નવસારી જિલ્લા એલ.સી.બી. પોલીસના પી. આઈ. વી. જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી રાજકોટમાં હોવાની જાણ થતા પોલીસે ત્યાં પહોંચી આરોપી અમિત પ્રભુદાસ પીઠડીયા (રહે.શિવનગર સોસાયટી,તા.ગોંડલ,રાજકોટ)ને ઝડપી પાડ્યો હતો. બનાવ અંગે વધુ તપાસ મરોલી પોલીસ કરી રહી હતી.




