સભંવિત હીટવેવ સંબધિત પૂર્વ તૈયારી કરવા જિલ્લા કલેકટરનો અનુરોધઃ ભારતીય હવામાન વિભાગ દ્વારા હીટવેવ સંદર્ભે આપવામાં આવેલી આગાહીઓને ધ્યાને લઈને સંભવિત હીટવેવની ઋતુ માટે તૈયારીઓ અર્થે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષતામાં સુરત ડીસ્ટ્રીકટ હીટ એકશન ટાસ્ક ફોર્સની બેઠક મળી હતી. જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં મળેલી બેઠકમાં જિલ્લા કલેકટરના વડપણ હેઠળ ડિસ્ટ્રીકટ હીટ એકશન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. જેમાં ૪૧ થી વધુ વિભાગના અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગના અધિકારીરોએ હીટવેવ સબંધિત બીમારીઓ અટકાવવા અંગેનો એકશન પ્લાન ધડી કાઢવા તેમજ પબ્લિક હેલ્થ એડવાઈઝરી પ્રસિધ્ધ કરવા તથા ફુડ પોઈઝનીંગ બાબતે તકેદારી રાખવા જણાવ્યું હતું. હિટવેવના સંજોગોમાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જરૂરી જણાયે શાળાઓના સમયમાં ફેરફાર કરવાની સુચના આપી હતી. આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રો પર બાળકોના આરોગ્યને ધ્યાને રાખવા બાબતે તકેદારી લેવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા જરૂર જણાયે ટ્રાફીક સિગ્નલો પર શેડ કે પાણીના સ્પ્રિંકલરની વ્યવસ્થા ગોઠવવા તેમજ જરૂર જણાયે ટ્રાફીક સિગ્નલો બપોરના ૧૨-૦૦ થી ૦૪-૦૦ બંધ રાખવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
