તારીખ ૨જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિએ ગાંધીજીને શ્રદ્ધાજલિ આપવાના હેતુ સાથે સમગ્ર ભારતમાં સ્વચ્છતા હી સેવા અભિયાન યોજાશે. જેના ભાગરૂપે રાજય સરકાર દ્વારા આગામી તા.૧૭મી સપ્ટે. થી તા.૩૧મી ઓક્ટોબર-૨૦૨૪ સુધી ‘‘સ્વચ્છતા હી સેવા’’ પખવાડિયાની જનભાગીદારી સાથે રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવશે. સુરતમાં તેની ઉજવણીના આયોજન અર્થે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, ‘સ્વચ્છતા હી સેવા’માં વધુમાં વધુ લોકો જોડાય તે જરૂરી છે. સ્વભાવ સ્વચ્છતા- સંસ્કાર સ્વચ્છતા’ની ભાવના સાથે સૌને સાથે રાખીને શેરી, મહોલ્લો, ગામને સ્વચ્છ રાખીએ એવો સંદેશો જનજન સુધી જાય તે માટેના પ્રયાસો કરવા પર ભાર મૂકયો હતો.
આ વર્ષની ‘‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’’ની થીમ નક્કી કરવામાં આવી છે. જેમાં જિલ્લાની સ્વૈચ્છિક સંસ્થાઓ, ઇન્ડસ્ટ્રીઝ, સફાઈ મિત્રો સાથે જોડાઈને વધુમાં વધુ સ્થળોને સ્વચ્છ બનાવવાનો અનુરોધ કર્યો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.બી. પ્રજાપતિએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જણાવ્યું કે, સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ ના મુખ્ય મુદ્દાઓ તરીકે જનભાગીદારી થકી સ્વચ્છતા, સ્વચ્છતાલક્ષિત એકમો (CTU) સાથે સંપૂર્ણ સ્વચ્છતા અને સફાઈ મિત્ર સુરક્ષા શિબિરનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્વચ્છ ભારત માટે જાહેર જનતાની ભાગીદારી, સ્વચ્છતા અંગે જાગૃતિ; સ્વચ્છતા માટે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવામાં આવશે.
મેગા ક્લીનીંગ ડ્રાઈવ તેમજ બ્લેક સ્પોટનું નિશ્ચિત સમયમાં સંપૂર્ણ પરિવર્તન કરવામાં આવશે. સફાઈ મિત્ર સુરક્ષા શિબિર દરમ્યાન મોટી ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓમાં કાર્યરત તમામ સફાઈ કર્મચારીઓ (કાયમી તથા હંગામી) તેમજ વિસ્તારના અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત તમામ સફાઈ કર્મચારીઓ અને તેમના આશ્રિતો માટે પ્રવૃત્તિઓ કરવાની રહેશે. જિલ્લામાં ૧૩૮ જેટલા બ્લેક સ્પોટ એટલે કે, જ્યાં રોજ કચરાના ઢગલા થતા હોય તેવા સ્થળોને સ્વચ્છ કરાશે. ગામદીઠ એક અથવા મોટા ગામ હોય તો બેથી પાંચ સ્પોટ નક્કી કરીને સૌ પદાધિકારીઓ, ગ્રામજનો સાથે મળીને વધુમાં વધુ લોકો સ્વચ્છતા અભિયાનમાં જોડાય તેવો અનુરોધ કર્યો હતો.
દોઢ મહિના દરમિયાન રોજરોજની નગરની સફાઈ, શહેરના તમામ ગાર્બેજ પોઈન્ટ, તમામ વાણિજ્ય અને રહેણાંક, સ્લમ વિસ્તારોની સફાઈ તેમજ બાગ-બગીચાઓ, ફૂટપાથ, ધોરીમાર્ગોની સફાઈની સાથે અન્ય રોજીંદી સફાઈ કામગીરી કરવામાં આવશે. સિંગલ-યુઝ પ્લાસ્ટિક જાગૃતિ અભિયાન, શ્રમદાન દિવસ, કચરાથી કંચન વર્કશોપ, એક પેડ મા કે નામ, સ્વચ્છતા સંવાદ, સ્વચ્છતા કલા પ્રતિયોગિતા જેવા સ્થળોની પસંદગી કરાશે. સાથોસાથ નગરપાલિકાઓ, ગ્રામ પંચાયતોમાં થીમ આધારિત સફાઈની કામગીરી કરવા અંગે સૌ અધિકારીઓને જણાવ્યું હતું.
