ગાંધીનગરનાં માણસા તાલુકાના આજોલ ગામના આધેડ સવારે લોદરા ગામ તરફ જતા એપ્રોચ રોડ પર સાઈડમાં બેઠા હતા ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલ એક ઇકો કારનાં ચાલકે તેમને અડફેટે લેતા માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા આધેડનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જે બાબતે મૃતકના ભાઈએ માણસા પોલીસ સ્ટેશનને ઇકો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
માણસા તાલુકાના આજોલ ગામના બસ સ્ટેન્ડ સામે રહેતા મહેશભાઈ નાથાભાઈ સેનમા સવારે ૧૦.૪૫ વાગે આજોલથી લોદરા ગામ તરફ જતા એપ્રોચ રોડ પર બાલમંદિરની સામે રોડ પાસે બેઠા હતા તે વખતે આજોલ ગામ તરફથી આવી રહેલ એક ઇકો કારના ચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી અહીં નીચે બેઠેલા મહેશભાઈને અડફેટે લેતા તેમને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી તો ઇકો કાર પણ અકસ્માત સર્જી ઝાડ સાથે અથડાઈ હતી.
તે દરમિયાન કારનો ચાલક પોતાનું વાહન મૂકી ભાગી છૂટયો હતો તો આ વખતે આજુબાજુથી દોડી આવેલા લોકોએ તાત્કાલિક ૧૦૮ બોલાવતા તેમણે આવી જાગ્રસ્તને મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું હતું જે બાબતે મૃતકના ભાઈએ અકસ્માત સર્જી મોત નીપજાવનાર ઇકો કારના ચાલક વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.




