રાજકોટનાં કોઠારીયા સોલવન્ટ પાસેના શિવમનગર મેઈન રોડ પર રહેતા આકાશ બાબુરામ ગૌતમ (ઉ.વ.13)નું ખોખડદળ ગામે આવેલી નદીમાં ડૂબી જવાથી મોત નિપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. સુત્રો પસેથિએ મળતી માહિતી મુજબ, મનોજભાઈના નવેક વર્ષના પુત્ર સાથે બપોરે ખોખડદળ ગામની નદીમાં ન્હાવા ગયો હતો. તે વખતે ઊંડા પાણી સુધી પહોંચી જતાં ડૂબવા લાગ્યો હતો. પરિણામે બચાવો-બચાવોની બૂમો પાડતાં મનોજભાઈનો પુત્ર દોડીને ઘરે ગયો હતો અને બધાને જાણ કરતાં સ્થળ પર દોડી આવ્યા હતા.
ફાયર બ્રિગેડને પણ જાણ કરાતાં તેના તરવૈયાઓ પણ પહોંચી ગયા હતા. જેમણે આકાશને નદીમાંથી બહાર કાઢયા બાદ ૧૦૮નાં સ્ટાફે મૃત જાહેર કર્યો હતો. આકાશના પિતા કારખાનામાં મજુરી કામ કરે છે. મૂળ ઉત્તર પ્રદેશના વતની છે. સંતાનમાં બે પુત્ર છે. જેમાંથી આકાશ નાનો હતો. તાજેતરમાં જ ભયજનક સ્થળોએ ન્હાવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પોલીસ કમિશનરે બહાર પાડયું હતું. જે સ્થળોમાં ખોખડદળની નદીનો પણ સમાવેશ થતો હોવાનું આજી ડેમ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું. ગત રવિવારે આજી ડેમ પોલીસે આજી ડેમ વિસ્તારમાં તપાસ કરી ભયજનક સ્થળોએ ન્હાવા પડેલા સાત શખ્સોને ઝડપી લઈ તમામ સામે જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરી હતી. જોકે આજે બીજા રવિવારે ખોખડદળ નદી પાસે પોલીસનું કોઈ ચેકીંગ ન હતું.




