આઠેક વર્ષ પહેલાં સ્કુલવાનમાં જતી ત્રણ સગીર વિદ્યાર્થીઓનીને મોબાઈલમાં બિભત્સ વીડીયો બતાવી જાતીય હુમલો કરીને પોક્સો એક્ટનો ભંગ કરનાર આરોપી વાન ચાલકને એડીશ્નલ સેશન્સ કોર્ટે તમામ ગુનામાં દોષી ઠેરવી પોકસો એક્ટની કલમ-10માં સાત વર્ષની સખ્તકેદ, રૂ.5 હજાર દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા ફટકારી છે. આરોપીને કુલ 20 હજારનો દંડ ભરે તો ત્રણેય ભોગ બનનારને સરખે હિસ્સે તથા વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ 2 લાખ વળતર ચુકવવા હુકમ કર્યો છે. મૂળ ડભોલી ગામના વતની તથા ઓલપાડના સોંસક ગામમાં રહેતા મારૃતિવાનના ચાલક વસંત ઈશ્વરભાઈ કંથારીયા વિરુધ્ધ ભોગ બનનાર સગીર વિદ્યાર્થીનીની ફરિયાદી માતાએ ગઈ તા.5-1-16ના રોજ જહાંગીરપુરા પોલીસમાં ઈપીકો-354(ક) તથા પોક્સો એક્ટની કલમ 7,8,11,12ના ગુનાની ફરિયાદ નોંધાવી હતી.
જે મુજબ ફરિયાદીની છ વર્ષની સગીર પુત્રી તથા અન્ય બે સગીર વિદ્યાર્થીનીઓ આરોપી વસંત કંથારીયાની મારૂતિ વાનમાં સ્કુલમાં જતા આવતાં હતા. જે દરમિયાન આરોપીએ ત્રણેય ભોગ બનનારને પોતાના મોબાઈલમાં બિભત્સ વીડીયો બતાવીને તેમને કેવો વીડીયો લાગ્યો તેવું પુછીને તેમના ગુપ્તભાગે સ્પર્શ કરતો હતો. તદુપરાંત પોતાના પેન્ટની ઝીપ ખોલીને પોતાના ગુપ્તાંગને બળજબરીથી સ્પર્શ કરવાનું કહીને એકથી વધુવાર જાતીય હુમલો કર્યો હતો. જે અંગે ફરિયાદી માતાને તેની સગીર પુત્રી તથા સ્કુલવાનમાં આવતી જતી અન્ય બે વિદ્યાર્થીનીએ પણ સમર્થન આપતા ઓલપાડ ગ્રામ્ય પોલીસે આરોપીની ઉપરોક્ત ગુનામાં ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.
આ કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવતાં સરકારપક્ષે એપીપી મુંજાલ બ્રહ્મભટ્ટની રજૂઆતો બાદ કોર્ટે આરોપી વસંત કંથારીયાને તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો. જેથી આરોપીના બચાવપક્ષે હાલના કેસમાં પૈસાની લેતીદેતીની તકરારમાં ખોટા કારણોસર ફસાવી દેવામાં આવ્યો હોઈ પરિવારના સભ્યોની દેખરેખ રાખનાર એકમાત્ર હોઈ સજામાં રહેમ રાખવા માંગ કરી હતી. જેના વિરોધમાં સરકારપક્ષે આરોપીઓ ત્રણેય બાળકીઓને પોતાના કબજાની મારૂતિવાનમાં સ્કુલે લઈ જતી વખતે મોબાઈલમાં ગંદા વીડીયો બતાવીને તેમના ગુપ્તાંગને અનવોન્ટેડ સ્પર્શ કરીને બળજબરીથી પોતાના ગુપ્તાંગને પકડાવીને જાતીય હુમલો કર્યો છે. જેથી સમાજમાં દાખલો બેસે તેની મહત્તમ સજા-દંડ તથા ભોગ બનનારને વળતર ચુકવવા માંગ કરી હતી. જેને કોર્ટે માન્ય રાખી આરોપી વસંત કંથારીયાને ઉપરોક્ત સખ્તકેદ, કુલ રૂ.20 હજાર દંડ તથા પ્રત્યેક ભોગ બનનારને દંડની રકમ સરખે હિસ્સે તથા વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર પેટે ચુકવવા નિર્દેશ આપ્યો છે.
