અમદાવાદના હાથીજણ સર્કલ પાસે આવેલી રાધે રેસિડેન્સીમાં પાલતૂ શ્વાને 4 મહિનાની બાળકીને બચકાં ભરતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોની ટીમે બાળકીને મૃત જાહેર કરી હતી. પાલતૂ શ્વાને બચકાં ભરી ફાડી નાખતાં આસપાસના વિસ્તારોમાં અરેરાટી વ્યાપી જવા પામી છે અને પાલતૂ શ્વાનોને લઇને ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદનાં હાથીજણ વિસ્તારમાં આવેલી રાધે રેસિડેન્સીમાં રહેતી એક યુવતી સોમવારે રાત્રે પાલતૂ શ્વાન રોટવીલર લઇને નીકળી હતી. આ દરમિયાન તે ફોન પર વાતચીત કરી રહી હતી તે સમયે અચાનક શ્વાન હાથમાંથી છટકી ગયું હતું અને તેણે યુવતી અને ચાર મહિનાની બાળકી પર જીવલેણ હુમલો કરી બચકાં ભર્યા હતા. ત્યારબાદ બાળકીને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બનાવ મામલે વિવેકાનંદ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.
