મેયર દક્ષેશભાઈ માવાણીના જન્મદિવસની ઉજવણી જનસેવા સાથે થાય એવા અભિગમથી કતારગામ મામલતદાર કચેરી દ્વારા મેયરના જન્મદિને વસ્તા દેવડી, કતારગામ કોમ્યુનિટી હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. નાગરિકોને યોજનાકીય લાભો એક છત્ર નીચે મળે અને વ્યક્તિલક્ષી સમસ્યાઓનું એક જ સ્થળે નિવારણ થાય તે માટે સેવા સેતુમાં શહેરીજનોએ વિવિધ યોજનાઓનો ઘરઆંગણે લાભ લીધો હતો.
જેમાં ૨૩૧ આવકના દાખલા, ૨૩ નોન ક્રીમિલેયર, ૧૩ સિનિયર સિટીઝન કાર્ડ, રાશનકાર્ડ સુધારાની ૮૨ અરજી, ૧૦ બિનઅનામત દાખલા, વિધવા સહાય, વૃદ્ધ સહાયના સહિતના ૩૬૩ લાભાર્થીઓએ લાભ મેળવ્યો હતો. આયુષ્માન કાર્ડ અને આધાર કાર્ડની સેવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી. લાભાર્થીઓએ મેયરશ્રીને જન્મદિનની શુભેચ્છા પાઠવી સેવાસેતુના આયોજનને બિરદાવ્યું હતું. ઉપરાંત, અહીં સેવા સારથિ સમિતિ-સુરત દ્વારા મહારક્તદાન શિબિર યોજી ૧૦૫૧ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં વિનામૂલ્યે પ્રસુતિ અને દવા, સારવાર કરવામાં આવી હતી. મેયરશ્રી દક્ષેશભાઈએ જીવનનું રક્ષણ થાય અને પરિવાર સુરક્ષિત રહે તેવી ભાવના સાથે રક્તદાતાઓને હેલ્મેટનું વિતરણ કર્યું હતું. નોંધનીય છે કે, અરજીઓ સાથે જોડવાના વિવિધ પ્રકારના પ્રમાણપત્રો અને દાખલાઓના અભાવે મુશ્કેલી ન વેઠવી પડે એ માટે સેવા સેતુના સ્થળે પ્રમાણપત્રો/ મેયર, ધારાસભ્યના દાખલા આપવાની તેમજ નોટરી, રેવન્યુ સ્ટેમ્પ, કોર્ટ ટિકિટ્સ, ઝેરોક્ષની પણ વ્યવસ્થા સેવા સેતુમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજકીય મહાનુભાવો, સામાજિક આગેવાનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
