ઉત્તરપ્રદેશનાં અનેક જિલ્લાઓમાં આવેલા ભીષણ તોફાન, ભારે વરસાદ અને વીજળી પડવાની ઘટનાઓએ ભારે તબાહી મચાવી છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 120 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત, 170 પશુઓના મોત થયા છે અને 227 જેટલા મકાનોને નુકસાન પહોંચ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ગંભીર પરિસ્થિતિની નોંધ લેતા અધિકારીઓને કડક સૂચના આપી છે. તેમણે અસરગ્રસ્ત પરિવારોને 24 કલાકની અંદર આર્થિક સહાય અને રાહત સામગ્રી પહોંચાડવા જણાવ્યું છે. રાજ્યના 26 જિલ્લાઓ આ તોફાનથી પ્રભાવિત થયા છે, જ્યાં વૃક્ષો ધરાશાયી થવા અને વીજળીના થાંભલા પડી જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. 
વહીવટીતંત્રને પીડિત પરિવારો સાથે સીધો સંપર્ક કરી દરેક શક્ય મદદ પૂરી પાડવા આદેશ અપાયો છે. આ તોફાને પ્રયાગરાજમાં સૌથી વધુ વિનાશ વેર્યો છે, જ્યાં અલગ-અલગ ઘટનાઓમાં કુલ 21 લોકોના મોત થયા છે. ગ્રામીણ વિસ્તારોમાં કાચા મકાનો પડી જવાથી અને વીજળી પડવાથી મોટી જાનહાનિ થઈ છે. એવી જ રીતે ભદોહી જિલ્લામાં પણ તોફાનને કારણે 16 લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં પણ તેજ પવનને કારણે અનેક સ્થળોએ વૃક્ષો ઉખડી ગયા હતા અને મકાનોને ભારે નુકસાન થયું હતું. ફતેહપુર અને પ્રતાપગઢ જિલ્લામાં પણ પરિસ્થિતિ ગંભીર છે. ફતેહપુરમાં દીવાલ પડવાની ઘટનાઓમાં 11 લોકોના મોત થયા છે. પ્રતાપગઢમાં વીજળી પડવાથી અને સિમેન્ટના શેડ નીચે દબાઈ જવાથી 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. કાનપુર દેહાત, દેવરિયા અને સોનભદ્ર જિલ્લામાં પણ વીજળી પડવાને કારણે અનેક લોકોના મોત નીપજયાં હતા.



