બિહારના રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)નાં ધારાસભ્ય રીતલાલ યાદવના સ્થળે પટના પોલીસના ૨૦૦ જવાનો અને અધિકારીઓની ટીમ ત્રાટકી હતી અને દરોડા પાડયા હતા. આ દરોડા દરમિયાન રીતલાલ યાદવના ઘર અને અન્ય સ્થળોએથી પોલીસને ૧૦ લાખ રૂપિયા રોકડા, ૭૭ લાખના ચેક, છ ખાલી ચેક, ૧૪ જમીનના કાગળો, ૧૭ ચેકબુક, પાંચ સ્ટેમ્પ પેપર, છ પેનડ્રાઇવ, એક વોકી-ટોકી અને રીઅલ એસ્ટેટ વેપાર સાથે જોડાયેલા વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા હતા. આરજેડીના દાનાપુરના ધારાસભ્ય રીતલાલ યાદવ સામે ખગૌલ પોલીસ સ્ટેશનમાં એક એફઆઇઆર દાખલ કરાઇ હતી. 
જેમાં પટનાના એક બિલ્ડરે દાવો કર્યો હતો કે રીતલાલ યાદવ અને તેના માણસોએ મારી પાસેથી ખંડણી માગી હતી, જો હું ખંડણી ના આપું તો ગંભીર પરીણામો ભોગવવા પડશે તેમ પણ કહ્યું હતું. આ બિલ્ડરે ધાક ધમકીના મોબાઇલના કોલ રેકોર્ડ પણ પોલીસને સોંપ્યા હતા. જે બાદ પોલીસનો કાફલો ધારાસભ્યના વિવિધ સ્થળોએ દરોડા પાડવા પહોંચ્યો હતો. જોકે દરોડા પૂર્વે પોલીસે દાનાપુર કોર્ટ પાસેથી રીતલાલ યાદવની ધરપકડની માગણી કરી હતી. જેને મંજૂરી મળવામાં વધુ સમય લાગ્યો હતો.
પોલીસને એવી શંકા છે કે, આ દરમિયાન રીતલાલ યાદવે તેની સામેના પુરાવા રફેદફે કરી નાખ્યા હતા અને પોતે પણ ભાગી ગયા. સિટી એસપી સરથ આર એસએ કહ્યું હતું કે હાલ આ સમયે સઘન તપાસ ચાલી રહી છે, ઓપરેશન સમાપ્ત થઇ ગયા બાદ આ અંગે વધુ માહિતી જાહેર કરવામાં આવશે. એએસપી ભાનુ પ્રતાપસિંહે કહ્યું હતું કે અમારી પાસે ધારાસભ્યો અને તેમના સાથીદારોના સંગઠીત ગુનાના પુરાવા છે. જ્યારે જરૂર પડશે ત્યારે અમે પૂછપરછ માટે તેમને બોલાવીશું. તાજેતરમાં જે પણ સામાન દરોડા દરમિયાન જપ્ત થયો છે તે બિલ્ડર દ્વારા ધારાસભ્ય પર જે આરોપો લગાવ્યા છે તેને સાબિત કરે છે.



