આગામી તા.૨૩ માર્ચના રોજ ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગુજકેટની પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષાના સુચારુ આયોજન માટે ભરૂચના નિવાસી અધિક કલેકટરશ્રી એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રીએ કાયદો અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત થાય તથા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજવામાં આવે તે પ્રકારે આયોજન હાથ ધરવા અધિકારીશ્રીઓને સૂચનો આપ્યા હતા.
નિવાસી અધિક કલેકટરશ્રીએ સ્ટ્રોંગરૂમ અને પરીક્ષા સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાઓ ઉભી કરવા, પરિવહન વ્યવસ્થા ખોરવાય નહી તેના ભાગરૂપે એસટી વિભાગના તમામ રૂટ કાર્યરત રાખવા, વીજપુરવઠો ન ખોરવાય તેની તકેદારી જાળવવા,આરોગ્ય વિષયક સેવાઓ તથા જે સેન્ટર પર પરીક્ષાઓ યોજાવાની છે ત્યાં સી.સી.ટી.વી. કેમેરા સહિતની તમામ વ્યવસ્થાઓ જાળવવા લાયઝનીંગ અધિકારીશ્રીઓને જણાવ્યું હતું. શિક્ષણ નિરીક્ષકશ્રી દિવ્યેશભાઇ પરમારે બેઠકમાં પરીક્ષા વ્યવસ્થાપનની માહિતી આપી હતી. ભરૂચ ખાતે ૧૮ સ્થળો પર ૧૭3 બ્લોકમાં પરીક્ષા ૩૪૦૫ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ૧૬૧૧ – ગુજરાતી માધ્યમ, ૧૭૬૨- અંગ્રેજી માધ્યમ, ૩૨- હિન્દી માધ્યમવાળા વિધાર્થીઓનો સમાવેશ થાય છે. ૨૩/૦૩/૨૦૨૫ના રોજ પરીક્ષાનો સમય સવારે ૧૦:૦૦ કલાકથી સાંજે ૪:૦૦ કલાક સુધીનો રહેશે.
જેમાં સવારે ૧૦:૦૦ વાગ્યાથી ૧૨:૦૦ વાગ્યા સુધી ભૌતિક અને રસાયણ વિજ્ઞાન, બપોરે ૧:૦૦ થી ૨:૦૦ દરમિયાન જીવ વિજ્ઞાન અને ૩:૦૦ થી ૪:૦૦ વાગ્યા સુધી ગણિતની પરીક્ષા લેવામાં આવશે. આ તામામ સ્થળોએ ૧૮ સ્થળ સંચાલક, ૩૬- મદદનીશ સ્થળ સંચાલક, ૧૭૨- ખંડ નિરીક્ષક, ૧૮- રીલીવર અને ૩૬ સેવકનો પોતાની ફરજ બજાવશે. એક કેન્દ્ર કો-ઓડિર્નેટર (જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ), એક કેન્દ્ર સુપરવાઇઝર ( નાયબ નિયામકશ્રી ), ૧૮- સ્થળ સુપરવાઇઝર ( મોનીટરીંગ ટીમ વર્ગ-૧ના કર્મચારીશ્રી ) જયારે ઝોન કચેરી સ્ટાફમાં એક ઝોનલ અધિકારી, ત્રણ મદદનીશ ઝોનલ અધિકારી, ૧૮ સરકારી પ્રતિનિધિ, એક રવાનગી પ્રતિનિધિ અને ત્રણ સેવકનો સમાવેશ થાય છે. જિલ્લા કંટ્રોલના પ્રતિનિધિ ચાર રહેશે.
