વડોદરામાં જન્માષ્ટમી પર્વે દર વર્ષની માફક શહેરમાં ઘણા સ્થળે પારણાના દિવસે એટલે કે તારીખ 27ના રોજ મટકી ફોડના કાર્યક્રમો યોજવાના છે. વડોદરામાં મુંબઈથી 300 ગોવિંદાની ટુકડી મટકી ફોડ માટે આવવાની છે. જે શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાંચ સ્થળે મટકી ફોડ કરશે. સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના રાજેશ આયરેના કહેવા મુજબ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 20 વર્ષથી આ પ્રકારે મટકી ફોડ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે.
ઓમ પીપળેશ્વર ક્રિડા મંડળ, કરીરોડ, લાલબાગ પાસે મુંબઈથી 300 ગોવિંદાની ટુકડી વડોદરા આવી પહોંચશે. આ ટુકડી એક મહિના અગાઉ મટકી ફોડ માટે પ્રેક્ટિસ શરૂ કરી દે છે. વડોદરામાં છેલ્લા 13 વર્ષથી આ જ ટુકડી આવે છે. મુંબઈમાં જન્માષ્ટમી પર્વે મટકી ફોડ કાર્યક્રમ પતાવી દર વર્ષે ટુકડી વડોદરા આવે છે. વડોદરામાં તારીખ 27મી એ સાંજે ઝાંસીની રાણી સર્કલથી રેલી સ્વરૂપે વાજતે ગાજતે ગોવિંદાઓ 5 વાગે નંદાલય હવેલી, રાજેશ ટાવર પાસે પહોંચશે. ત્યાં પ્રથમ મટકી ફોડ કરવામાં આવશે. મટકી ફોડ પૂર્વે વક્રતુંડ ઢોલકનું ગ્રુપ ઢોલની રમઝટ બોલાવશે.
એ પછી આદિવાસી નૃત્ય પ્રસ્તુત કરાશે. સાંજે 6 વાગે સ્વામી વિવેકાનંદ હાઈટ પાસે, લક્ષ્મીપુરા સમતા રોડ, 7 વાગે ગોરવા આઈટીઆઈ પાસે, 8 વાગે કિશન કોમ્પલેક્ષ ગોત્રી ખાતે અને રાત્રે 9 વાગે સાંઈબાબા મંદિર, ઇલોરા પાર્ક ખાતે મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે. મટકી 35 ફૂટ ઉપર હાઈટ પર બાંધવામાં આવે છે. મટકી બાંધવા માટે દસ ક્રેન મંગાવવામાં આવે છે. ગોવિંદાનું મંડળ મુંબઈમાં ગણપતિ મહોત્સવ પણ ઉજવે છે. વડોદરામાં મટકી ફોડના કાર્યક્રમો દરમિયાન તેઓને જે કંઈ આર્થિક અનુદાન મળે તેનો ઉપયોગ ગણપતિ મહોત્સવ માટે કરે છે.
