ગાંધીનગર શહેર નજીક આવેલા રાંધેજા ગામમાં પ્રેમ સંબંધ રાખવાની ના પાડનાર વિધવા મહિલા ઉપર ગામના શખ્સ દ્વારા છરી ઝીંકીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના બહાર આવી છે. બનાવ અંગે પેથાપુર પોલીસ દ્વારા હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, ગાંધીનગર નજીક રાંધેજા ગામમાં રહેતી મહિલાના પતિનું અવસાન પાંચ વર્ષ અગાઉ થયું હતું અને તેના બાળકોને શાળાએ લાવવા લઈ જવા માટે ગામના જ શખ્સ રોહિત રાવળની રીક્ષા બાંધવામાં આવી હતી અને રિક્ષામાં મહિલા પણ બાળકો સાથે આવતી જતી હતી.
જોકે મહિલાએ તેની સાથે સંબંધ રાખવાનો ઇનકાર કરતા ધમકી આપીને જતો રહ્યો હતો. જેથી મહિલા આ યુવકનાં ઘરે પહોંચી હતી અને તેની માતાની હાજરીમાં યુવકને કહ્યું હતું કે, તે શું કામ તેને હેરાન કરી રહ્યો છે. જેના પગલે રોહિતે કહ્યું હતું કે, ‘તું મારી સાથે સંબંધ નહીં રાખે તો તને શાંતિથી જીવવા નહીં દઉં’ તેમ કહીને ઉશ્કેરાઈ ગયો હતો અને ઘરમાં જઈને પેન્ટના ખિસ્સામાંથી છરી કાઢીને મહિલાના પેટમાં હુલાવી દીધી હતી. જેના પગલે થઈ બૂમાબૂમ થઈ ગઈ હતી અને આસપાસના લોકો દોડી આવતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મહિલાને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની ફરિયાદના આધારે પેથાપુર પોલીસ દ્વારા આ યુવાન રોહિત રાવળ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.
