ભાવનગર જિલ્લાના બગોદરા-ધંધુકા હાઇવે પર હોટલ સામે ગતરોજ એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સ્વિફ્ટ કારએ રીક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારતા રીક્ષા રોડની બાજુમાં આવેલા ખાળીયામાં પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં રીક્ષામાં સવાર એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય મુસાફરોને ઇજા થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. 
મળતી માહિતી મુજબ, તારાપુર તાલુકાના ચીતવાડા ગામે રહેતા કિશોરસિંહ દીપસિંહ ગોહિલ તથા સજનબા દીપસંગજી ગોહિલ તથા જામુબા નવલસિંહ ગોહિલ તથા રીટાબા કીશોરસિંહ ગોહિલ તથા જાગૃતિબા અજીતસિંહ ગોહિલ, દેવરાજસિંહ કિશોરસિંહ ગોહિલ,આરાધનાબા કીશોરસિંહ ગોહિલ, વિશ્વરાજસિંહ અજીતસિહ ગોહિલ તથા જીનલબા અજીતસિંહ કિશોરસિંહ દીપસંગજી ગોહિલની રીક્ષા લઇ પાળીયાદ ખાતે અમાસ હોય જેથી વિસામણ બાપુની જગ્યાએ દર્શન કરવા જતા હતા. ત્યારે ધંધુકા હાઇવે પર આવેલ હોટલ સામે પાછળથી આવતી મારૂતી સ્વીફટ ગાડીના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રીક્ષાને પાછળના ભાગે ટક્કર મારી પલ્ટી ખવડાવી દેતા સજનબા દીપસંગજી ગોહિલને માથાના ભાગે ગંભીર ઈજા કરી સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. જ્યારે રીક્ષામાં સવાર અન્ય મુસાફરોને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે કાર ચાલક વિરૂધ્ધ પૃથ્વીરાજસિંહ ગોહિલે ધોલેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.



