વલસાડનાં વાપી નજીક અંબાચ કણબીવાડમાં ગ્રામ પંચાયતના નજીક આંગણવાડીમાં કામ કરતી રસોઈ બનાવવાની કામગીરી કરતી મહિલા કચરો નાંખવા જતા ગામ પંચાયતના હોર્ડિંગ્સ નજીકનો કટ અડી જતા જોરદાર ઝટકો લાગતા હોસ્પિટલ લઈ જવાઈ હતી જેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
મળતી માહિતી મુજબ, વાપી નજીક આવેલ અંબાચ ગામે આંગણવાડીમાં બાળકો માટે રસોઈ બનાવવાની કામગીરી કરતા ગીતાબેન વિજયભાઈ પટેલ ઉંમર વર્ગ ૩૪ રહેવાસી આમલી ફળિયા, અંબાચ સાંઈબાબા મંદિરની બાજુમાં સવારે ૧૧ વાગ્યાની આસપાસ રાબેતા મુજબ પોતાની ફરજ ઉપર આવીને બાળકો માટે રસોઈ બનાવવાની કામગીરી આંગણવાડીમાં શરૂ કરવામાં આવનાર હોય કેટલોક કચરો ઉઠાવી તેવો બહારની તરફ નાખવા માટે પહોંચ્યા હતા. જ્યાં બાજુમાં આવેલી જૂની ગ્રામ પંચાયત કચેરીની બહાર કચરો નાંખવાની તૈયારી કરી રહ્યા હતા.
ત્યારે બાજુમાંથી પસાર થતા એક તાર ઉપર હાથ અડી જતા તેમને કરંટ લાગ્યો હતો. ઝટકો એટલો જોરદાર હતો કે, બૂમાબૂમ થતા નજીકમાં રહેતા એક આરોગ્યકર્મી મહિલા પણ ત્યાં દોડી આવ્યા હતા અને ગીતાબેનને છોડાવવા માટે પ્રયાસ કરતા તેમને પણ કરંટનો ઝટકો લાગ્યો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને ગીતાબેનની હાલત લથડતા તેમને સારવાર અર્થે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને સારવાર મળે તે પહેલા ડોક્ટરે તપાસ કરતા ગીતાબેનને મૃત જાહેર કર્યા હતા. જેને પગલે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આંગણવાડીમાં ફરજ ઉપર બનેલી આ ઘટનાને પગલે સરપંચ સહિતના લોકો સ્થળ ઉપર પહોંચ્યા હતા.
