સોનગઢનાં ભટવાડા ગામનાં ડુંગરી ફળિયામાંથી પસાર થતા રોડ ઉપર એક કાર ચાલકે પોતાની કાર ગફલતભરી રીતે હંકારી લાવી મહિલાને પાછળથી ટક્કર મારતા મહિલાનું ગંભીર ઈજા પહોંચતા સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. 
મળતી માહિતી મુજબ, સોનગઢનાં ભટવાડા ગામનાં ડુંગરી ફળિયામાં રહેતા સેવંતીબેન ગુલાબભાઈ કાથુડ (ઉ.વ.૩૫)નાંઓ તારીખ ૧૩/૦૭/૨૦૨૫ નાંરોજ ડુંગરી ફળિયામાં જ સુનીલભાઈ સંજયભાઈ કાથુડ નાંઓના ઘર સામે રોડ ઉપરથી પસાર થતા હતા તે સમયે કાર નંબર જીજે/૦૫/જેકે/૯૬૮૦નાં ચાલકે પોતાના કબ્જાની કાર ગફલતભરી રીતે હંકારી લાવી સેવંતીબેન પાછળથી ટક્કર મારી રોડ ઉપર પાડી દીધી હતી.
જોકે આ અકસ્માતમાં સેવંતીબેનને જમણા ખભા ઉપર તથા માથાનાં પાછળનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. જયારે આ અકસ્માત સર્જી કાર ચાલક સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે મૃતક મહિલાનાં પતિ ગુલાબભાઈ કાથુડએ કાર ચાલક સામે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



