ડોલવણનાં આમોનીયા ગામનાં નિરપણ ફળિયામાં જતાં રોડ ઉપર બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં એક બાઈક ચાલક યુવકનું માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું, જયારે બે જણાને ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ડોલવણનાં આમોનીયા ગામનાં નીચલા ફળિયામાં રહેતા ૧૯ વર્ષીય યુવક અરૂણ શૈલેષભાઈ કોંકણી તેની બાઈક નંબર જીજે/૨૬/એજી/૬૩૯૨ની ઉપર પાછળ બેસેલ વિનયભાઇ દિનેશભાઈ કોકણી (ઉ.વ.૧૯, રહે.બેસનીયા ગામ, વચલુ ફળિયું, ડોલવણ)નાઓ સાથે પોતાના ઘરે જતા હતા.
તે સમયે આમોનીયા ગામનાં નિરપણ ફળિયામાં જતાં રોડ ઉપર વિરલ વિજયભાઈ કોંકણી (રહે.આમોનીયા ગામ, ડોલવણ)નો તેની બાઈક નંબર જીજે/૨૬/કે/૧૧૬૯ને લઈ અરૂણભાઈની બાઈક સાથે અથડાવી દઈ અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક પર સવાર અરૂણને માથાનાં ભાગે ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જયારે બાઈકની પાછળ બેસેલ વિનયને ચહેરાને તથા છાતીનાં ભાગે ઈજા પહોંચી હતી. તેમજ અકસ્માત સર્જનાર બાઈક ચાલક વિરલભાઈને પણ છાતીનાં ભાગે ઈજા પહોંચી હતી. અકસ્માત અંગે મુકેશભાઈ કોંકણીએ તારીખ ૦૮/૦૬/૨૦૨૫ નાંરોજ ડોલવણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
