અમેરિકાના લોસ એન્જલસમાં શનિવારે એક મોટી દુર્ઘટના બની છે. સાંતા મોનિકા બુલેવાર્ડ પર એક મ્યૂઝિક વેન્યૂની નજીક એક કાર ચાલકે લોકોની ભીડ પર કાર ચડાવી દીધી હતી. આ દુર્ઘટનામાં 28 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 10ની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
આ હુમલો હતો કે ભૂલથી બનેલી દુર્ઘટના હતી તે અંગે પણ સત્તાવાર જાણી શકાયું નથી. આ ઘટના ઈસ્ટ હોલિવૂડ વિસ્તારના સેન્ટા મોનિકા બુલેવાર્ડ પર બની. અહીં હોલિવૂડના સ્ટાર્સના ઘર છે. ફાયર ડિપાર્ટમેન્ટના અનુસાર, હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, ઘટના દુર્ઘટના હતી કે ષડયંત્રનો ભાગ હતો. એવી ચર્ચા છે કે, કારનો ડ્રાઈવર બેહોશ થઈ ગયો હતો. ત્યારબાદ એક નાઇટક્લબમાં ઘુસી ગઈ હતી. જોકે આ અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી. અધિકારીઓએ ઘટનાની તપાસ હાથ ધરી છે અને ઘટનાસ્થળ પર બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. થોડા દિવસ અગાઉ લોસ એન્જલસ કાઉન્ટીના શેરિફ વિભાગમાં બ્લાસ્ટમાં ત્રણ લોકોના મોત થયા હતા. આ અગાઉ જાન્યુઆરી મહિનામાં ન્યૂ ઓરિલીન્સમાં એક ટ્રક ટોળામાં ઘુસી ગયો હતો. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા હતા. ઘટના બાદ ટ્રકના ડ્રાઈવરે ફાયરિંગ પણ કર્યું હતું.
