મણિપુરમાં પાંચ જિલ્લાઓમાં સુરક્ષાદળોએ મોટાપાયે તપાસ અભિયાન ચલાવ્યું હતું. જે દરમિયાન આશરે ૯૦ જેટલા હથિયારો, ૭૦૦ વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી હતી.
મણિપુર પોલીસ, સીઆરપીએફ, બીએસએફ, સૈન્ય અને આસામ રાઇફલ્સ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, મણિપુરના પૂર્વ-પશ્ચિમ ઇમ્ફાલ, તૌબલ, કેકચિંગ, બિષ્નુપુર જિલ્લામાં દરોડા દરમિયાન ૯૦ હથિયારો મળ્યા હતા. જેમાં ત્રણ એકે સીરીઝ, એક એમ૧૬ રાઇફલ, પાંચ ઇન્સાસ રાઇફલ્સ, ૨૦ પિસ્તોલ વગેરેને જપ્ત કરવામાં આવ્યા હતા.હથિયારો ઉપરાંત ઘાતક વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરાઇ છે જેમાં ૭૨૮ વિસ્ફોટકો, ૨૧ ગ્રેનેડ્સ, છ આઇઇડીનો સમાવેશ થાય છે. આઇજી કબીબ કેએ કહ્યું હતું કે જે પણ હથિયારો હાલ જપ્ત કરાયા છે તેમાં એ હથિયારોનો પણ સમાવેશ થાય છે કે જેને મૈતેઇ, કુકી વચ્ચેની હિંસા દરમિયાન લૂંટી લેવાયા હતા. અત્યાર સુધીમાં પોલીસ કે સુરક્ષા દળોના સ્થળેથી આશરે છ હજાર જેટલા હથિયારો લૂંટી લેવામાં આવ્યા છે. જેમાંથી અડધા જેટલા હથિયારો પરત મેળવી લેવાયા છે.
