ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર નેશનલ હાઈવે ઓથોરિટીમાં રોડનું કામ કરી રહેલા મહિલા મજૂરને ટેમ્પોના ચાલે કે છાલા ગામ પાસે અડફેટે લેતા ગંભીર ઇજાઓને કારણે તેનું સ્થળ ઉપર જ મોત થયું હતું. બનાવ અંગે ચિલોડા પોલીસે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા ટેમ્પોના ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો. લાલાભાઇ બદજી ખરાડીએ ફરિયાદ નોંધાવી હતી કે, તે અને તેમની પત્ની સવિતાબેન નેશનલ હાઈવે ઓથોરિટીમાં કંપનીમાં કામ કરીને રોડ ઉપર મરામતનું કામ કરતા હતા.
કંપનીના માણસો સાથે છાલાથી ગીયોડ ગામ વચ્ચે રોડ ઉપર કામ કરી રહ્યા હતા અને રોડ ઉપર સેફ્ટી કોન પણ મૂકવામાં આવ્યા હતા. આ દરમિયાન હિંમતનગર તરફથી આવી રહેલા એક ટેમ્પો ચાલકે તેમની પત્ની સવિતાબેનને ટક્કર મારી હતી અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ટેમ્પો મૂકીને તેનો ચાલક નાસી છૂટયો હતો. આ દરમિયાન હાઇવે ઓથોરીટીની એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી હતી અને તપાસ કરતા સવિતાબેનને મૃત જાહેર કર્યા હતા. જેથી તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હાલ તેમની ફરિયાદના આધારે ચિલોડા પોલીસે ફરાર થઈ ગયેલા ટેમ્પોના ચાલકની શોધખોળ શરૂ કરી હતી.




