લોકસભામાં બંધારણ સુધારો બિલ રજૂ કરાયુ છે. આ બિલ અનુસાર જો પીએમ, સીએમ કે મંત્રી સતત 30 દિવસ જેલમાં રહે તો તેમને પદ પરથી દૂર કરવાની જોગવાઈ છે. સરકારે લોકસભામાં બંધારણ બિલ, જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશ બિલ રજૂ કરવામાં આવ્યુ છે.
લોકસભામાં પીએમ, મુખ્યમંત્રીને પદ પરથી દૂર કરવા સંબંધિત ત્રણ બિલ રજૂ કરવામાં આવ્યા હતા. અમિત શાહે વિપક્ષના જોરદાર હોબાળા વચ્ચે આ બિલ રજૂ કર્યુ હતુ. આ બિલો અનુસાર, જો કોઈ વડા પ્રધાન, મુખ્યમંત્રી કે મંત્રીની આવા કોઈ ગુના માટે ધરપકડ કરવામાં આવે છે. જેમાં ઓછામાં ઓછી પાંચ વર્ષની સજા થઈ શકે છે અને જો તે સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રહે છે, તો 31મા દિવસે તેને આપમેળે પદ પરથી દૂર કરવામાં આવશે. આ જોગવાઈ બંધારણની કલમ 75, કલમ 164 અને કલમ 239AAમાં સુધારા દ્વારા અમલમાં આવશે. આ બિલ ફક્ત મંત્રીઓ, મુખ્યમંત્રીઓ અને વડા પ્રધાન જેવા પદો પર જ લાગુ પડે છે અને સામાન્ય સાંસદો અથવા ધારાસભ્યોને નહીં.
નવા બિલોમાં સાંસદો અને ધારાસભ્યોની સભ્યપદ રદ કરવાનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. આનો અર્થ એ છે કે જેલમાં જતા સાંસદો અને ધારાસભ્યોનું સભ્યપદ તાત્કાલિક જશે નહીં, સિવાય કે તેમને કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવે અને સજા બે વર્ષથી વધુ ન હોય. પ્રસ્તાવિત સુધારાનો હેતુ સરકારમાં પ્રામાણિકતા અને વિશ્વસનીયતા વધારવાનો છે. ઘણી વખત નેતાઓ ગંભીર આરોપો છતાં પદ પર રહે છે, જે જનતાનો વિશ્વાસ હચમચાવે છે. આ નિયમ સુનિશ્ચિત કરશે કે ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા લોકો સરકારનું નેતૃત્વ ન કરે. ઉપરાંત, જો કોઈ વ્યક્તિ પછીથી નિર્દોષ સાબિત થાય છે, તો તેને બીજી તક મળે તેની પણ કાળજી લેવામાં આવી છે.



