ભુજ: ‘ભણવાની કોઈ ઉંમર નથી’ કહેવતને સાચા અર્થમાં સાબિત કરતા કચ્છના ભુજના ગોવિંદભાઈ કરશનભાઈ ભાનુશાલીએ ૪૭ વર્ષ બાદ ફરી અભ્યાસ શરૂ કરી ધોરણ-૧૦ની પરીક્ષામાં ૬૪.૫૦ ટકા ગુણ સાથે સફળતા મેળવી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. મળતી માહિતી મુજબ ગોવિંદભાઈએ વર્ષ ૧૯૭૯માં ધોરણ-૭ સુધી અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ પારિવારિક જવાબદારીઓ અને આર્થિક પરિસ્થિતિને કારણે તેમનો અભ્યાસ અધવચ્ચે જ અટકી ગયો હતો. જોકે, ભણવાની તેમની ઇચ્છા ક્યારેય ઓછી થઈ નહોતી. અંતે તેમણે રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલયી શિક્ષા સંસ્થા (NIOS) મારફતે એપ્રિલ-૨૦૨૬માં યોજાયેલી ધોરણ-૧૦ની બોર્ડ પરીક્ષા માટે ફોર્મ ભરી પરીક્ષા આપી હતી.
તાજેતરમાં ૧૪ જૂન, ૨૦૨૬ના રોજ જાહેર થયેલા પરિણામમાં ગોવિંદભાઈ ૬૪.૫૦ ટકા ગુણ સાથે સફળ જાહેર થતાં પરિવારજનોમાં આનંદની લાગણી પ્રસરી હતી. જીવનના આ તબક્કે પ્રાપ્ત થયેલી તેમની સિદ્ધિએ અનેક લોકો માટે પ્રેરણારૂપ સંદેશ આપ્યો છે.ગોવિંદભાઈએ પોતાની સફળતાનો શ્રેય મા આશાપુરાના આશીર્વાદ, અડગ આત્મવિશ્વાસ અને સતત મહેનતને આપ્યો હતો. સાથે જ તેમણે પોતાના પુત્ર નરેશકુમાર ભાનુશાલીનો વિશેષ ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે પરીક્ષાનું ઓનલાઈન ફોર્મ ભરાવવાથી લઈને અભ્યાસ માટેનું માર્ગદર્શન, અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ કરાવવી તેમજ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા જેવી દરેક પ્રક્રિયામાં પુત્રએ સતત સહયોગ આપ્યો હતો.૪૭ વર્ષ બાદ ફરી પુસ્તકો હાથમાં લઈને ધોરણ-૧૦ની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરનાર ગોવિંદભાઈને હાલ સ્નેહીજનો અને શુભેચ્છકો તરફથી અભિનંદન મળી રહ્યા છે. તેમની આ સિદ્ધિએ ફરી એકવાર સાબિત કર્યું છે કે મજબૂત ઇચ્છાશક્તિ, આત્મવિશ્વાસ અને સતત પ્રયત્ન હોય તો ઉંમર ક્યારેય સફળતાના માર્ગમાં અવરોધ બની શકતી નથી.




