ખેડા જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જિલ્લાના અમુક વિસ્તારોમાં છૂટોછવાયો અને હળવો વરસાદ નોંધાયો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી અને ગરમી તથા બફારાથી ત્રસ્ત લોકોને આંશિક રાહત મળી હતી. છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાનો અનુભવ થઈ રહ્યો હતો. ત્યારે આજે પડેલો આ હળવો વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે.
જોકે, આ વરસાદ હળવો અને છૂટોછવાયો હોવાથી ખરીફ પાકની વાવણી માટે પૂરતો ન હોવાથી ખેડૂતો હજુ પણ સારા અને સાર્વત્રિક વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ હળવા વરસાદથી જમીનને જોઈએ તેવી ભીનાશ મળી નથી. ખેડા જિલ્લામાં સોમવારનો વરસાદ જોઈએ તો નડિયાદમાં સૌથી વધુ ૧૪ મિ.મી. વરસાદ પડયો છે. ગળતેશ્વરમાં ૧૨ મિ.મી. વરસાદ નોંધાયો છે, જ્યારે ખેડામાં ૩ મિ.મી., ઠાસરામાં ૨ મિ.મી., વસોમાં ૨ મિ.મી. અને માતરમાં ૧ મિ.મી. વરસાદ પડયો છે. આ ઉપરાંત, કપડવંજ, કઠલાલ, મહેમદાવાદ અને મહુધા તાલુકામાં આજે કોઈ વરસાદ નોંધાયો નથી. જિલ્લામાં આજે કેટલાક વિસ્તારોમાં માત્ર આકાશ ઘેરાયું હતું અને વરસાદ વરસ્યો નહોતો, જ્યારે અમુક સ્થળોએ માત્ર રસ્તા ભીના થાય તેટલો જ વરસાદ પડયો હતો.
