સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે ૨૨ જુને યોજાઈ હતી. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના માંડવીપાણી ગામે આઝાદી પછી સૌપ્રથમવાર ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ પદની ચૂંટણી ભારે ઉત્સાહપૂર્વક યોજાઈ હતી. તાપી જિલ્લાના અંતરિયાળ જંગલોમાં વસેલું ગામ માંડવીપાણી કે જેમને ગ્રામ પંચાયત નો દરજ્જો પ્રથમવાર મળ્યો છે. કુલ અંદાજીત ૮૦૦ લોકોની વસ્તી ધરાવતા આ ગામના લોકો સરપંચની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને સરપંચને ચૂંટશે. ગ્રામજનોમાં ખૂબ જ ઉત્સાહભેર મતદાન કરીને આનંદિત બન્યા હતા.
તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાએ ખૂબ જ જહેમત ઉઠાવીને પ્રભારી મંત્રી, માજી જિલ્લા પંચાયત પ્રમુખ સહિત સ્થાનિક આગેવાનો સાથે આ વિસ્તારના ગ્રામજનોની રજૂઆતોને દરખાસ્ત સ્વરુપે સરકાર સુધી પહોંચાડી. રાજ્ય સરકારે ત્વરિત નિર્ણય લઈ બાકાત ગામોને ગ્રામ પંચાયતનો દરજ્જો અપાવ્યો હતો. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાને અડીને આવેલા તાપીના સોનગઢથી અંદાજીત ૪૫ કા.મી.દુર આવેલા માંડવીપાણી ગામ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મજબૂત લોકતંત્ર બનાવવા સરપંચની ચૂંટણીમાં ઈતિહાસ બનાવી નવી ઓળખ ઉભી કરી રહ્યું છે. અહીં ૮ વોર્ડના તમામ સભ્યો બિનહરીફ જાહેર થયા છે. બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૭૫ ટકા ઉંચુ મતદાન નોંધાયું હતું.
