ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 મે, 2025ની સાંજે 5 વાગ્યાથી સીઝફાયર લાગુ થઈ ગયું હતું, પરંતુ પાકિસ્તાને પોતાની ઓકાત બતાવી દીધી છે. પાડોશી દેશે ત્રણ કલાકમાં જ સીઝફાયરનું જ ઉલ્લંઘન કરી દીધું હતું. જમ્મુ કાશ્મીર, પંજાબ અને ગુજરાત સહિતના રાજ્યોમાં પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા. જો કે, ભારતીય સેનાએ તમામ ડ્રોન તોડી પાડ્યા હતા. પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવતા ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ બ્રીફિંગ કરવામાં આવી રહી છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, ‘પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન થયું છે. સેના આ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, ‘છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી લશ્કરી કાર્યવાહીને રોકવા માટે આજે સાંજે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે એક સમજૂતી થઈ હતી. છેલ્લા કેટલાક કલાકોથી પાકિસ્તાન દ્વારા આ સમજૂતીનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ભારતીય સેના આ સરહદી ઘૂસણખોરીનો જવાબ આપી રહી છે અને તેનો સામનો કરી રહી છે. આ ઘૂસણખોરી અત્યંત નિંદનીય છે અને પાકિસ્તાન તેના માટે જવાબદાર છે. અમારું માનવું છે કે પાકિસ્તાને આ પરિસ્થિતિને યોગ્ય રીતે સમજવી જોઈએ અને આ ઘૂસણખોરીને રોકવા માટે તાત્કાલિક યોગ્ય પગલાં લેવા જોઈએ. ભારતીય સેના પરિસ્થિતિ પર કડક નજર રાખી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય સરહદ તેમજ નિયંત્રણ રેખા પર સરહદોના ઉલ્લંઘનની કોઈપણ બાબતનો સામનો કરવા આદેશ અપાયા છે.’
