હિંસાગ્રસ્ત મણિપુર રાજ્યમાં મ્યાંમાર દેશમાંથી હથિયારો ઘૂસાડવામાં આવી રહ્યા હોવાનો ખુલાસો થયો છે. એજન્સીઓને મળેલા રિપોર્ટ મુજબ મ્યાંમારથી આ હથિયારો મણિપુર થઇને બાદમાં દેશના અન્ય રાજ્યો સુધી પહોંચાડવામાં આવે છે. આ રિપોર્ટ બાદ એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે. મણિપુરની ઇમ્ફાલ ઘાટી સ્થિત ઉગ્રવાદી સંગઠન વીબીઆઇજીના નેતાની ધરપકડ બાદ સુરક્ષા એજન્સીઓએ મ્યાંમારથી હથિયારોની તસ્કરી મુદ્દે તપાસ વધુ ઝડપી બનાવી દીધી છે. હથિયારોની આ તસ્કરીની અસર દેશભરમાં થવાની એજન્સીઓને શંકા છે.
મણિપુર પોલીસે સપ્તાહ પહેલા સ્વઘોષિત લેફ્ટનન્ટ અને ઉગ્રવાદી સંગઠન યુએનએલએફ-પીના સેક્રેટરી સુમેન્દ્રો ઉર્ફે રિચર્ડની ધરપકડ કરી હતી. ત્યારબાદ હથિયાર તસ્કરીના રેકેટ મુદ્દે તપાસ વધુ ઝડપી બનાવવામાં આવી હતી. વર્ષ ૨૦૨૩માં આ ઉગ્રવાદી સંગઠને શસ્ત્ર વિરામની જાહેરાત કરી હતી અને શાંતિ કરાર પણ કર્યા હતા. જોકે હાલ તેના જ એક નેતા દ્વારા હથિયાર તસ્કરીનું રેકેટ ચલાવાઇ રહ્યંુ હોવાથી આ શસ્ત્ર વિરામ પર સવાલો ઉઠી રહ્યા છે. પોલીસે કહ્યું હતું કે આ સંગઠન શસ્ત્ર વિરામ બાદ પણ હથિયારો જમા કરાવવામાં નિષ્ફળ રહ્યું છે. સંગઠનના કેટલાક લોકો હથિયારોની તસ્કરીમાં સામેલ છે.
