સુરત: અમદાવાદથી મુંબઈ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E-7018માં સોમવાર સાંજે ત્રણ વર્ષના બાળકની અચાનક તબિયત બગડતાં મેડિકલ ઇમરજન્સીની સ્થિતિ સર્જાઈ હતી. બાળક બેભાન થઈ જતાં પાયલટે સૂઝબૂઝ દાખવી ફ્લાઇટને સુરત એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડ કરાવી હતી. ત્યારબાદ બાળકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર બાદ તેની સ્થિતિ હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદથી મુંબઈ જઈ રહેલી ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા આશરે ત્રણ વર્ષના માસ્ટર સૌરભની અચાનક તબિયત લથડી હતી. બાળક બેભાન જેવી સ્થિતિમાં પહોંચી જતાં ફ્લાઇટના ક્રૂ સભ્યો અને મુસાફરોમાં ચિંતા વ્યાપી ગઈ હતી.ફ્લાઇટમાં હાજર બે ડોક્ટરોએ બાળકને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી. જોકે બાળકની સ્થિતિ ગંભીર હોવાનું જણાતાં વધુ વિલંબ કર્યા વગર પાયલટે એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક કરીને સુરત એરપોર્ટ પર ફ્લાઇટ ઉતારવાની મંજૂરી માંગી હતી.
ઇમરજન્સી અંગેની જાણ થતાં જ સુરત એરપોર્ટ તંત્ર સતર્ક બની ગયું હતું. એરપોર્ટ પર CISFના જવાનો તેમજ મેડિકલ ટીમને અગાઉથી જ તૈયાર રાખવામાં આવી હતી. ફ્લાઇટ સુરક્ષિત રીતે લેન્ડ થતાં જ બાળકને એરપોર્ટ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.સમયસર સારવાર મળતાં બાળકની તબિયતમાં સુધારો નોંધાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. બીજી તરફ, જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ઇન્ડિગોની ફ્લાઇટ ફરીથી મુંબઈ જવા માટે રવાના કરવામાં આવી હતી.પાયલટની સમયસૂચકતા, ફ્લાઇટમાં હાજર ડોક્ટરોની તાત્કાલિક સારવાર અને એરપોર્ટ તંત્રની ઝડપી કામગીરીને કારણે બાળકને સમયસર સારવાર મળી શકી હોવાનું માનવામાં આવી રહ્યું છે.




