નર્મદા જિલ્લાના રાજપીપલા શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કુલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તે વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપવા બદલ પ્રમાણપત્ર અને પ્રોત્સાહન તેમજ યોજનાકીય લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે નાંદોદ તાલુકાના કરાંઠા ગામના લાભાર્થીશ્રી જયદીપભાઇ આર. વસાવાને પણ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પાનસેરિયાના હસ્તે સહાય એનાયત કરવામાં આવ્યુ હતુ. જેમાં તેઓને સ્માર્ટ ફોન માટે રૂપિયા છ હજારની સહાયનું વિતરણ કરાયું હતું.
લાભાર્થીશ્રી જયદીપભાઇ વસાવાએ યોજનાનો પ્રત્યુતર આપતા જણાવ્યું કે, હું પહેલા સમયાંતરે સરકારી કચેરીઓમાં જઈને સરકારની વિવિધ વિભાગોની મુલાકાત લઈને અનેકવિધ યોજનાઓ વિશે માહિતી મેળવતો હતો. નર્મદા જિલ્લા ખેતીવાડી વિભાગની પણ વિવિધ યોજનાઓથી વાકેફ હતો. મે નાંદોદ તાલુકાના ગ્રામ સેવકના માધ્યમથી સરકારની સ્માર્ટ ફોન યોજનાનો લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ થકી અરજી કરી હતી. જે માટે જરૂરિયાત મુજબ ડોક્યુમેન્ટ ઓનલાઇન રજૂ કર્યા હતા. લાભ મળતા સરકારશ્રીનો આભાર માનતા શ્રી વસાવા વધુમાં જણાવે છે કે, મને સ્માર્ટ ફોન માટે મંત્રી શ્રીના હસ્તે સહાય મળી છે.
હવે મને જરૂર પડ્યે સ્માર્ટ ફોનના માધ્યમથી સરકારની અનેકવિધ યોજનાઓની માહિતી ગણતરીની મિનિટોમાં મેળવીને સરકાર દ્વારા શિક્ષણ હોય, આરોગ્ય હોય કે પછી ખેતી-પશુપાલનની કોઈ પણ યોજનાની માહિતી આજુબાજુના ફળિયા, સગાસંબંધી અને મિત્રો સાથે આપ-લે કરી શકીશ. અને જરૂરિયાત મંદને મારા આ સ્માર્ટ મોબાઇથી ઓનલાઇન અરજી કરવામાં મદદરૂપ થઈશ અને રોજગાર ભર્તી અંગે પણ લોકોને વાકેફ કરીને પ્રેરિત કરીશ.




