એર ઈન્ડિયાએ પોતાની નેરોબોડી નેટવર્કમાં કામચલાઉ ઘટાડાની જાહેરાત કરી છે, જે 15 જુલાઈ, 2025 સુધી લાગુ રહેશે. આ પગલું એરલાઇનની ઓપરેશનલ સ્થિરતા સુધારવા અને મુસાફરોને છેલ્લી ઘડીની મુશ્કેલીઓથી બચાવવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે. આ ઘટાડા હેઠળ એર ઇન્ડિયાએ ત્રણ રૂટ પર તેની સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે, જ્યારે 19 અન્ય રૂટ પર ફ્લાઇટ્સની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે.
આ ફેરફાર છતા એર ઈન્ડિયા પોતાના નેરોબોડી વિમાનોથી દરરોજ લગભગ 600 ઉડાનોનું સંચાલન શરૂ રાખશે, જે 120 ડોમેસ્ટિક અને ઓછા અંતરના ઈન્ટરનેશનલ રૂટને કવર કરશે. આ પગલું એરલાઈનની પ્રતિબદ્ધતાને દર્શાવે છે કે, તેઓ સંચાલન સુરક્ષાને પ્રાથમિકતા આપતા મુસાફરોની સુવિધાઓનું સંપૂર્ણ ધ્યાન રાખે. એર ઈન્ડિયાએ આ નિર્ણય માટે મુસાફરોની માફી માંગી છે. તેમણે કહ્યું કે, જે મુસાફરોની ઉડાનોને અસર પહોંચી છે, તેમનો સંપર્ક કરાઈ રહ્યો છે. તેમને વૈકલ્પિક ઉડાનો પર ફરીથી બુકિંગ, મફત રીશેડ્યૂલિંગ અથવા સંપૂર્ણ રિફંડનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. મુસાફરોની સુવિધા માટે નવા શેડ્યુલ વેબસાઈટ, મોબાઈલ એપ અને સંપર્ક કેન્દ્ર પર ઉપલબ્ધ કરાઈ રહ્યા છે.
