ગાંધીનગરનાં માણસા તાલુકાનાં અંબોડ આનંદપુરા પાટિયા પાસે સવારે એક અજાણ્યા વાહન ચાલકે એકટીવા ચાલકને પાછળથી ટક્કર મારતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું મોત થયું હતું તો આ વાહન ચાલકે અન્ય એક બાઈક સવારને પણ ટક્કર મારી ઇજા પહોંચાડી હતી. જે બાબતે મૃતકના ભત્રીજાએ માણસા પોલીસ સ્ટેશને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. 
જેમાં સવારે તેઓ પોતાનું એકટીવા સાથે તેમના ભત્રીજા દિલીપસિંહને લઈ અંબોડ ગામ તરફ જતા હતા અને જ્યારે તેઓ આનંદપુરા અંબોડ ગામના પાટિયા પાસે પહોંચ્યા તે વખતે તેમના ભત્રીજાને કોઈ ઓળખીતા મળતા તેઓ ઉતરી તેને મળવા ગયા હતા તે સમયે એકટીવા ચાલક પરબતસિંહ પોતાનું વાહન લઇ દેલવાડ ગામ તરફ નીકળી ગયા હતા તે સમયે પાછળથી આવી રહેલ એક અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારતા તેઓ રોડ પર નીચે પટકાયા હતા જ્યાં તેમને માથાના ભાગે તેમજ શરીર પર ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને કઈ સારવાર મળે તે પહેલા તેમનું કરુણ મોત નીપજ્યું હતું તો આ અજાણ્યા વાહન ચાલકે અન્ય એક નિખિલકુમાર ગૌરીશંકર દવે, રહે.વલાસણા જીલ્લો મહેસાણા ના બાઈક ને પણ ટક્કર મારી ઇજાઓ પહોંચાડી હતી જેથી મૃતક પરબતસિંહ ના ભત્રીજા દિલીપસિંહે અકસ્માત સર્જી મોત નીપજાવનાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.



