તાપી જિલ્લામાં ફેકટરી, કંપની,ઔધોગિક એકમો,કન્ટ્રકશન સાઇટ,ખાનગી સિકયુરીટી એજન્સી, સ્વૈછિક સંસ્થાઓ તેમજ તમામ ખાનગી એજન્સી, ટેલીફોન કંપનીઓ તેમજ ગેસ લાઈન અને લગ્ન મંડપ સર્વિસ તથા માર્કેટો, ધંધાના એકમો, દુકાનો, ઓફિસો, હોટલોમાં કામ કરતા કર્મચારી/કારીગરો/શ્રમિકો અંગેની વિગતો/બાયોડેટાની સચોટ અને પુરતી માહિતી તેઓના માલિકો દ્વારા સંબંધિત પોલીસ સ્ટેશનને સમયસર પુરા પાડવામાં આવતા નથી.
ઘણા કામદારો/શ્રમિકો અન્ય રાજયો જિલ્લાઓમાં ગુનાહિત કૃત્ય કરીને અત્રેના જિલ્લા ખાતે આવી વિવિધ જગ્યાએ કામ અર્થે આવી વસેલા હોય છે. જે અંગે તેઓનાં માલિકો/ઠેકેદારોને માહિતી હોતી નથી. આવા કામદારો/શ્રમિકો જિલ્લા ખાતે વસવાટ કરી ગુનાહિત કૃત્ય કરી નાસી જતા હોય છે.
ત્યારે તેઓના માલિક/ઠેકેદારો પાસે પુરતી માહિતી ન હોવાના કારણે પોલીસ તેઓ સુધી પહોંચી શકતી નથી.આવી વ્યક્તિઓ નકસલી, આતંકવાદ જેવી રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોવાની સંભાવના નકારી શકાય નહી. જેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ,તાપી-વ્યારા આર.આર.બોરડને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂએ, તાપી જિલ્લામાં તમામ ફેકટરી/કંપની/ ઔધોગિક એકમો/બિલ્ડરો/કોન્ટ્રાક્ટરો/ખાનગી સિકયુરીટી એજન્સી/સ્વૈચ્છિક સંસ્થાઓ/તમામ ખાનગી એજન્સીઓ/ટેલીફોન કંપનીઓ/ગેસ લાઈન/લગ્ન મંડપ સર્વિસ/માર્કેટો/ધંધાના એકમો, દુકાનો/ઓફિસો/હોટલો વિગેરેમાં તમામે પોતાને ત્યાં મજુરીએ અથવા નોકરીએ રાખવામાં આવેલ તમામ કર્મચારી/કારીગરો/શ્રમિકોના તેઓના મુળ વતન તથા હાલના સરનામાં તથા આઇડી પ્રુફ/અગાઉનો ગુનાહિત ઇતિહાસ હાલના ફોટોગ્રાફ સહિતની માહિતી નિયત ફોર્મમાં ભરી નજીકના સંબંધિત પોલીસ સ્ટેશનમાં પુરી પાડવાની રહેશે
વધુમાં, તેઓ દ્વારા નોકરીએ રાખવામાં આવનાર કર્મચારી/કારીગર/શ્રમિક ભારતીય નાગરિક છે કે કેમ? તેની ખરાઇ કરવાની રહેશે. જો ભારત સિવાય અન્ય કોઇ દેશના નાગરિકો નોકરીમાં રાખેલ હોવાનું જણાય આવે તો તેની સઘળી જવાબદારી સંબધિત એકમની રહેશે.આ હુકમ આગામી ૧૨.૦૭.૨૦૨૫ સુધી અમલમાં રહેશે.જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૨૨૩ ની જોગવાઇ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
