મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયન સાથે ફોન પર વાત કરી. પીએમ મોદીએ મસૂદ પેજેશકિયન સાથે વર્તમાન પરિસ્થિતિ પર વિગતવાર ચર્ચા કરી અને ચિંતા વ્યક્ત કરી. વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરીને ઇઝરાયલ અને ઈરાનને તણાવ ઓછો કરવા અને પરસ્પર વાતચીત કરવા અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાતચીતમાં ક્ષેત્રીય અખંડતા, શાંતિ અને સ્થિરતા માટે સંવાદ દ્વારા તણાવ ઘટાડવા અપીલ પણ કરી છે. નોંધનીય છે કે, સર્વપ્રથમ ઈઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલા કર્યા હતા જે બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ છેડાયું હતું. હવે આ યુદ્ધમાં ઈઝરાયલની પડખે અમેરિકાની પણ એન્ટ્રી થઈ ગઈ છે.
જોકે અમેરિકાના હુમલા બાદ પણ ઈરાને ઈઝરાયલ પર હુમલા ચાલુ જ રાખ્યા છે. રવિવારે ઈરાને ઈઝરાયલ 10 શહેરો પર મિસાઈલથી હુમલો કર્યો. ઈઝરાયલના પાટનગર તેલ અવિવ પર પણન હુમલો કરાયો. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ ઈરાન પર હુમલા બાદ આશા રાખી રહ્યા છે કે હવે ઈરાન સરન્ડર કરશે. હવે જોવાનું એ રહે છે કે, અમેરિકાના હુમલા બાદ આ યુદ્ધ વધુ ભડકે છે કે પછી ઈઝરાયલ અને ઈરાન સંઘર્ષવિરામ કરી વાતચીત કરશે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઈરાક, જોર્ડન, લેબનોન, સીરિયા અને યમન સહિત પશ્ચિમ એશિયન દેશો સાથે ભારતના વેપાર પર વ્યાપક અસર થવાની શક્યતા છે. અમેરિકાએ રવિવારે ઈરાનના ત્રણ પરમાણુ મથકો પર હુમલો કરતાં ઈરાન દ્વારા ક્રૂડના સપ્લાય માટે મહત્ત્વનો સ્ટ્રેટ ઓફ હોર્મુજ માર્ગ બંધ થવાની ભીતિ વધી છે. જેનાથી ક્રૂડ મોંઘુ થવાની આશંકા સેવાઈ રહી છે
