સુરત જિલ્લાનાં પીપોદરા નજીક સરકારી એસટી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત નીપજ્યો હતો. જેને લીધે મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે પર લાંબા સમય સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. આહવાથી નડિયાદ તરફ જતી સરકારી અસટી બસ મુંબઈથી અમદાવાદ જતા માર્ગ પર પીપોદરા ગામની સીમમાં મોગલધામ મંદિર પાસેથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન આગળ ચાલતા ટ્રેલરનાં ચાલકે અચાનક બ્રેક મારતા સરકારી એસટી બસ ટ્રેલરના પાછળના ભાગે ધડાકાભેર ભટકાઈ હતી.
બસમાં સવાર ૨૫થી વધુ મુસાફરોએ બૂમાબૂમ કરતા આસપાસના વિસ્તારમાંથી લોકો મદદ કરવા દોડી આવ્યા હતા. બનાવની જાણ થતા કોસંબા સહિત સુરત જિલ્લા ટ્રાફિક પોલીસનો કાફલો અકસ્માતના સ્થળે દોડી આવી બસમાં બેઠેલા મુસાફરોને હેમખેમ બહાર કાઢ્યા હતા. જોકે હાઇવેની વચ્ચોવચ અકસ્માત થતાં મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે બંને અકસ્માતગસ્ત વાહનોને ખસેડી ટ્રાફિક હળવો કર્યો હતો. આ અકસ્માત બસમાં બેઠેલા કોઈ મુસાફરને ઈજા થઈ નથી. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
