Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

આણંદ જિલ્લાનાં બોરસદ-ડાલી રોડ ઉપર અકસ્માત : એક યુવકનું મોત, બે ઇજાગ્રસ્ત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આણંદ જિલ્લાનાં બોરસદ-ડાલી રોડ ઉપર કઠાણા ગામની રામપુરા નહેર નજીકથી પુરઝડપે જઈ રહેલ એક કારના ચાલકે પોતાની કાર બેફામ રીતે હંકારી એક બાઈકને ટક્કર મારી હતી. ત્યારબાદ કાર પાછી વાળી બોરસદ તરફ ભાગવા જતા અન્ય એક બાઈકને પણ ટક્કર મારતા સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી. બનાવ અંગે વીરસદ પોલીસે કાર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, બોરસદ તાલુકાનાં કઠાણા ગામે રહેતો મુકેશ ગણપતભાઈ પરમાર પોતાનું બાઈક લઈને કલમસર ખાતે રહેતા ફોઈના ઘરે જવા નીકળ્યો હતો. તે દરમિયાન ડાલી-બોરસદ રોડ ઉપર આવેલા રામપુરા નહેર નજીકથી તે પસાર થઈ રહ્યો હતો, ત્યારે પાછળથી પૂરઝડપે આવી ચડેલ કારના ચાલકે બાઈકને ટક્કર મારતા તે રોડ ઉપર પટકાયો હતો. ત્યારબાદ કાર ચાલકે કારને પાછી વાળી બોરસદ તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સામેથી આવી રહેલ અન્ય એક બાઈકને ટક્કર મારતા બાઈક ઉપર સવાર અર્જુનભાઈ ભીમાભાઇ ચુનારા અને દિનેશભાઈ રઈજીભાઈ ચુનારા (બંને રહે.બદલપુર) રોડ ઉપર પટકાતા બંનેને ઇજાઓ પહોંચી હતી.

બંને બાઈકોને ટક્કર માર્યા બાદ કાર ચાલક બોરસદ તરફ કાર લઈને ફરાર થઈ ગયો હતો. અકસ્માત અંગે ૧૦૮ને જાણ થતા ૧૦૮ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘવાયેલા ત્રણેયને બોરસદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મુકેશભાઈ પરમારને તપાસીને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે શૈલેષભાઈ ગણપતભાઈ પરમારે વીરસદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!