ભરૂચનાં અંકલેશ્વર ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ બાતમીના આધારે પીપોદરા ખાતે સુરતના વેપારીની કારમાંથી ૧૪ લાખની ચીલઝડપ કરનાર આરોપીને અંકલેશ્વર ખાતેથી ઝડપી પાડયો હતો. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે, ઉપરાંત તેના ત્રણ સાગરીતોને વોન્ટેડ જાહેર કર્યા છે. મળતી માહિતી મુજબ, નેત્રંગ પોલીસ મથકની હદમાંથી ચોરાયેલી એક્ટિવા સાથે એક શખ્સ રાજપીપળા ચોકડી વિસ્તારમાં ફરી રહ્યો હોવાની અંકલેશ્વર ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી.
પોલીસે જેની પૂછપરછ કરતા તેનું નામ શિવા મુર્થી ચોટીનાયક (રહે.પીપોદરા, તા.માંગરોળ)નાં હોવાનું જણાવ્યું હતું. આ આરોપીએ તેના અન્ય ત્રણ સાગરીતો સાથે મળી પીપોદરામાં વેપારી ઇકો કાર ચાલકને શિકાર બનાવી કારમાં પંક્ચર પડી કારમાંથી ૧૪ લાખ રોકડા રૂપિયા ભરેલી બેગની ચોરી કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. આ ૧૪ લાખમાંથી આરોપીને માત્ર ૧૫ હજાર રૂપિયા જ મળ્યા છે, બાકીનાં નાણાં અન્ય ત્રણ સાગરીતો પાસે હોવાનું પોલીસને જણાવ્યું હતું. હાલ પોલીસે આરોપી શિવા ચોટી નાયકને કોર્ટમાં રજૂ કરી સોમવાર સુધીના રિમાન્ડ મેળવી જેને કોસંબા પોલીસને સુપ્રત કરવાની તજવીજ હાથ ધરી હતી. ચીલઝડપના ગુનાના અન્ય ત્રણ આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પડવાની કામગીરી હાથ ધરી હતી.
