એડિસ અબાબાથી મુંબઈ આવતી ઇથોપિયન એરલાઇન્સની ફ્લાઈટમાં ડિપ્રેસરાઇઝેશન એટલે કે હવામાં દબાણ ઓછું થયાની સમસ્યા સર્જાતા શુક્રવારે રાત્રે 1:42 વાગ્યે મુંબઈમાં તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘લેન્ડિંગ બાદ 7 મુસાફરોમાં ડિકમ્પ્રેશન સંબંધિત લક્ષણો જોવા મળ્યા હતા. જેમાં એરપોર્ટ મેડિકલ ટીમે તપાસ બાદ એરપોર્ટ પર જ તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તેમાં છતાં એકને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી.’ મિડ-એર ડિપ્રેશન એક એવી સ્થિતિ છે કે, જેમાં વિમાનના કેબિનમાં હવાનું પ્રેશર અચાનક ઘટી જાય છે. આ સામાન્ય રીતે ટેકનિકલ ખામીને કારણે થાય છે. હવાનું પ્રેશર અચાનક ઘટી જવાથી મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર આવવા અથવા અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
તાજેતરમાં 23 જૂનના રોજ પણ એર ઇન્ડિયા હીથ્રો-મુંબઈ ફ્લાઇટ દરમિયાન 6 ક્રૂ મેમ્બર્સ સહિત 11 મુસાફરોને ચક્કર આવવા અને ઉબકા આવવાના અનુભવ થયાના થોડા દિવસો પછી આ ઘટના બની છે. બીમારીના કારણની તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર, ફ્લાઇટ નંબર ET640 માં 300 મુસાફરો અને 11 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. આ ફ્લાઇટે ઇથોપિયાની રાજધાની એડિસ અબાબાથી મુંબઈ માટે ઉડાન ભરી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે વિમાન અરબી સમુદ્ર ઉપર ઉડી રહ્યું હતું અને 33,000 ફૂટની ઊંચાઈ પર હતું ત્યારે કેબિનમાં ડિપ્રેસરાઇઝેશનની સમસ્યા સર્જાઈ હતી. આથી, પાયલટએ તરત જ વિમાનને નીચી ઊંચાઈ પર લાવવા માટે રેપિડ ડિસેન્ટ કર્યું હતું. આ ઘટના એવા સમયે બની છે જ્યારે બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનની સલામતી અંગે પહેલાથી જ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તાજેતરમાં, અમદાવાદથી લંડન જતી વખતે એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ફ્લાઇટ ટેકઓફના 36 સેકન્ડ પછી ક્રેશ થયુ હતું. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર 241 લોકોના મોત થયા હતા. આ અકસ્માત પછી, બોઇંગ 787 વિમાનની સલામતી અને જાળવણી પ્રક્રિયાઓ પર વૈશ્વિક સ્તરે તપાસ તેજ થઈ ગઈ છે.
