ડાંગ જેવા વિશિષ્ટ ભૌગોલિક વિસ્તારમાં વસતા પ્રજાજનોને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે સતત ચિંતિત અને પ્રયાસરત રાજ્ય અને કેન્દ્ર સરકારના ઉદ્દેશની પૂર્તિમાં જો કોઈ અધિકારી કે ઈજારદારની બેદરકારી બહાર આવશે તો તે સાંખી નહિ લેવાય, તેમ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
આહવાના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી એક આપાતકાલિન બેઠકમાં જિલ્લાના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે સૂક્ષ્મ સમિક્ષા કરતા નાયબ મુખ્ય દંડકશ્રીએ, ખાસ કરીને પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે સૌ સંવેદનશીલ બને તે ખૂબ જરૂરી છે તેમ કહ્યું હતું.
પાણી જેવા પ્રાણ પ્રશ્ને પાણી પુરવઠા, વાસ્મો, યાંત્રિક વિભાગ, સિંચાઈ જેવા વિભાગોના અધિકારીઓએ સ્થાનિક પદાધિકારીઓ સાથે સંકલન કેળવી, પાણીના વ્યય સામે પણ સાવચેતી કેળવવાની સૂચના આપી હતી. પાણીના એક એક ટીપાનો સદઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા સાથે પાઈપ લાઈનોના ભંગાણો, સંબંધિત ઈજારદાર સાથે મળી સત્વરે દૂરસ્ત કરવાની દરકાર લેવા પણ નાયબ મુખ્ય દંડકશ્રીએ સૂચના આપી હતી. જિલ્લામાં અમલી જુદી જુદી પાણી પુરવઠા યોજનાઓની વિસ્તૃત જાણકારી મેળવતા નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય વિજયભાઈ પટેલે, યોજનાથી વંચિત ગામોને પણ પાણીની સુવિધાઓ સુપેરે પહોંચે તે જોવાની તાકીદ કરી હતી. જિલ્લામાં હયાત કુવા, બોર, ચેકડેમ, નદી નાળા સહિતના ઉપલબ્ધ સ્ત્રોત વિગેરેની જાણકારી મેળવી શ્રી પટેલે પાણી માટેની સંખ્યાબંધ યોજનાઓનું સુચારુ સંયોજન કરીને, છેવાડાના માનવી સુધી પાણી પહોંચાડવાના પવિત્ર કાર્યમાં સૌને આહુતી આપવાની હિમાયત કરી હતી. પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે અમલી લાંબાગાળાની યોજનાઓની પ્રગતિની સમિક્ષા પણ નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય વિજયભાઈ પટેલે આ વેળા હાથ ધરી હતી.
