ઉમરગામનાં સરીગામ ગામમાં જમીનની જૂની અદાવત રાખી પોતાના જ સાવકા ભાઈએ લોખંડના સળિયા વડે હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ, સરીગામ કારીયામાળ ખાતે રહેતા જીતેશભાઈ ભાનુભાઈ વાયડા શનિવારની રાત્રીના આશરે નવેક વાગ્યાના અરસામાં ઘરમાં સૂતેલા હતા.
ત્યારે રાત્રીએ બારેક વાગ્યાના અરસામાં તેમના સાવકા મોટા ભાઈ જયરામભાઈએ સૂતેલી હાલતમાં જીતેશભાઈને લોખંડના સળિયા વડે મોઢાના ભાગે મારતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. બનાવની જાણ પત્નીને થતાં તેમણે જીતેશભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સમાં પ્રથમ ભીલાડની સરકારી હોસ્પિટલમાં અને બાદમાં વધુ સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં જીતેશભાઈના ચહેરાના જમણા જડબામાં ફેક્ચર હોવાનું નિદાન થતાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. હુમલા પાછળનું કારણ, બાપદાદાની સહિયારી જમીનની વહેંચણી અંગે મનદુ:ખ થયા બાદ થયેલા જૂના ઝઘડાની અદાવત હોવાનું પત્ની દીપિકાબેન ભીલાડ પોલીસ મથકમાં કરેલી ફરિયાદમાં લખાવ્યું હતુ.
