પારડીનાં ઉદવાડા ગામનાં હિલ્લાબેનને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે હિન્દીમાં વાત કરી હતી કે, તેમના ખાતામાંથી ૩૭,૦૦૦ ઉપાડવામાં આવ્યા છે. જયારે હીલ્લાબેને નકાયું ત્યારે કોલરે કહ્યું કે, તેમણે પહેલા જ બે લાખ રૂપિયા ઉપાડયા છે અને તે પછી તેણે તરત જ ફોન કાપી નાંખ્યો હતો. ત્યારબાદ હીલ્લાબેને પોતાનો મોબાઈલ તપાસતા જાણવા મળ્યું કે, તેમના એચડીએફસી બેંકના ખાતામાંથી ૩૭,૦૦૦ અને બીજા ખાતામાંથી બે વખતમાં ૧-૧ લાખ ઉપાડી લેવામાં આવ્યા હતા. 
આથી તેણે પેલા અજાણ્યા નંબર ઉપર ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેણે ફોન ઉપાડયો ન હતો. ત્યારબાદ હિલ્લાબેને બીજા દિવસે બેંકમાં તપાસ કરાવતા બેંક કર્મચારીએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦ ઉપર ફોન કરવાની સલાહ આપી હતી.
જોકે ફોન ઉપર સંપર્ક ન થતાં હીલ્લાબેને cybercrime.gov.in વેબસાઇટ ઉપર ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તેમણે પારડી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી. પોલીસ ઇન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર આ પ્રકારના ઓનલાઈન ફોડ વધી રહ્યા છે. નાગરિકોને અજાણ્યા નંબર પરથી આવતા કોલ્સ અંગે સાવધાન રહેવાની જરૂર છે. મળતી વિગત મુજબ, આ પ્રકારના ફ્રોડમાં ગુનેગારો બેંક કર્મચારી તરીકે ઓળખ આપી પીડિતના બેંક ખાતાની માહિતી મેળવી લે છે અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા પૈસા ઉપાડી લે છે.



