ગાંધીનગરનાં કલોલનાં વડસર એરફોર્સ સ્ટેશન ખાતે રહેતા યુવકેને ગૂગલ નકશા ઉપર રિવ્યુ આપીને કમિશન પેટે કમાવવાની લાલચ આપીને ૧૩ લાખની છેતરપિંડી કરવામાં આવી છે. જે મામલે હાલ સાયબર ગઠિયાઓ સામે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, કલોલ તાલુકાનાં વડસર ગામ ખાતે એરફોર્સ સ્ટેશનમાં રહેતા યુવકને પણ સાયબર ગઠિયાઓ સાથે ભેટો થઈ ગયો હતો અને તેને કમિશનની લાલચ આપીને છેતરવામાં આવ્યો છે.
જે સંદર્ભે આ યુવક મોહિત છગનલાલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ગત ૨૫ એપ્રિલના રોજ તેના ફોન ઉપર વોટ્સએપ મેસેજ મળ્યો હતો. મેસેજ કરનારે પોતાને કોમત હોટલમાંથી વર્ષા બણજારે તરીકે ઓળખાવી અને જણાવ્યું કે, તેમની કંપનીને ગૂગલ નકશા પર વધુ રિવ્યુની જરૂર છે. જેથી તેને રિવ્યુ આપવા બદલ કમિશન આપવાનું વચન આપવામાં આવ્યું હતું. શરૂઆતમાં તેને ૧૭૯ રૂપિયા કમિશન મળ્યું હતું અને પછી ૨૦ રિવ્યુ આપવા બદલ ૩૦૦ રૂપિયા મળ્યા હતા. જેનાથી તેને વિશ્વાસ આવ્યો હતો ત્યારબાદ તેને એક ટેલિગ્રામ ગુ્રપમાં જોડવામાં આવ્યો હતો તેને વધુ રૂપિયા કમાવવા માટે રોકાણ કરવાનું કહેવામાં આવ્યું હતું. જેથી તેણે ૧,૦૦૦નું રોકાણ કર્યું અને ૧,૩૦૦ પાછા મળ્યા હતા ત્યારબાદ તેના મિત્રો સિદ્ધાર્થ મોવર, ધીરજ કુમવાની અને શુભમ કુમાર સિંહના બેંક ખાતાઓમાંથી કુલ ૧૩ લાખ જુદા જુદા બેંક ખાતાઓમાં જમા કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેનું એકાઉન્ટ ફ્રીજ કરવાની ધમકી આપવામાં આવી હતી અને ત્યારબાદ વધુ રૂપિયાની માંગણી કરવામાં આવતા છેતરપિંડીનો અહેસાસ થયો હતો અને આ મામલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
