વ્યારાના બેડકુવાદુરગામના કાકરાપાર અણુમથકથી બેડકુવાદુર ચોકડી તરફ જવાના રસ્તા ઉપર એક અજાણ્યા વાહન ચાલકે પોતાના કબ્જાનું વાહન ગફલતભરી રીતે હંકારી લાવી આધેડને ટક્કર મારતા આધેડનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, વ્યારાના બેડકુવાદુરગામ આમલી ફળિયામાં રહેતા દસ્તાનભાઇ છગનભાઇ ચૌધરી (ઉ.વ.૫૭)નાઓ તારીખ ૧૮-૦૭-૨૦૨૫ નારોજ ચાલતા ચાલતા પોતાના ઘરેથી બેડકુવાદુર ચોકડી ખાતે ચા પીવા માટે જતા હતા. તે સમયે બેડકુવાદુરગામ કાકરાપાર અણુમથકથી બેડકુવાદુર ચોકડી તરફ જવાના રસ્તા ઉપર પ્રવીણભાઈ નાનુભાઈ ચૌધરી નાઓની ઘરઘંટીની સામે એક અજાણ્યા વાહન ચાલકે પોતાના કબ્જાનું વાહન ગફલતભરી રીતે હંકારી લાવી દસ્તાનભાઇને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં દસ્તાનભાઇ રસ્તા ઉપર પડી જતાં તેમને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી તેમજ જમણા ખભાના ભાગે તેમજ શરીરે નાની-મોટી ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. બનાવ અંગે મિતેશભાઈ દસ્તાનભાઇ ચૌધરી નાએ તારીખ ૧૯-૦૭-૨૦૨૫ નારોજ કાકરાપાર પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
